ગુરૂવારે રાજકોટના ૭ વૉર્ડમાં પાણીકાપ
વૉર્ડ નં.૧૧, ૧૨, ૭, ૧૪, ૧૭ અને ૧૮ના અનેક વિસ્તારોમાં પાણી નહીં મળે: ભાદર ડેમથી રાજકોટ સુધીની પાઈપ લાઈનમાં લીકેજનું રિપેરિંગ કરવાનું હોવાથી પાણી વિતરણ નહીં કરાય: તહેવારો ટાણે જ ગૃહિણીઓમાં દેકારો
દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે જેના કારણે લગભગ દરેક ઘર-દુકાન-ઑફિસની સાફ-સફાઈ શરૂ કરી દેવામાં આવી છે. બરાબર એવા સમયે જ મહાપાલિકા દ્વારા શહેરના ૬ વૉર્ડમાં પાણીકાપ ઝીકી દેવામાં આવતાં લોકોમાં દેકારો બોલી ગયો છે. ભાદર ડેમથી રાજકોટ સુધીની પાઈપ લાઈનમાં લીકેજ હોવાથી તેના રિપેરિંગને કારણે ગુરૂવારે શહેરના ૭ વૉર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહાપાલિકા દ્વારા જણાવ્યા પ્રમાણે ગુરૂવારે ગુરૂકુળ હેડ વર્કસ હેઠળ આવતાં વિસ્તારો પૈકીના ઢેબર રોડના વૉર્ડ નં.૭ (પાર્ટ), વૉર્ડ નં.૧૪ (પાર્ટ), વૉર્ડ નં.૧૭ (પાર્ટ) ઉપરાંત લાલબહાદુર હેડ વર્કસ હેઠળ આવતાં વિસ્તારો વૉર્ડ નં.૧૭ (પાર્ટ) અને વૉર્ડ નં.૧૮ (પાર્ટ), વાવડી હેડ વર્કસ હેઠળ આવતાં વૉર્ડ નં.૧૧ (પાર્ટ) અને વૉર્ડ નં.૧૨ (પાર્ટ)માં પાણી વિતરણ કરવામાં આવશે નહીં.
જ્યાં જ્યાં પાણી વિતરણ બંધ રહેવાનું છે તેમાં વાવડી ગામ, વિશ્વકર્મા સોસાયટી, મહમ્મદ બાગ, શક્તિનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસાયટી, ગોવિંદરત્ન બ્રિજ, જે.કે.સાગર, ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારિયા કોલોની (પાર્ટ), નારાયણનગર ભાગ-૧,૨, નારાયણનગર મફતીયુ, ઢેબર કોલોની, અટીકા ઈન્ડસ્ટ્રીઝ એરિયા, ખોડિયાર સોસાયટી, ન્યુ વિરાટનગર, નહેરુનગર મેઈન રોડ, હનુમાન મંદિર પાસે, સત્ય નારાયણ, ધારેશ્વર ૨થી ૪, ધારેશ્વર મેઈન રોડ, વિશ્વકર્મા સોસાયટી સહિતના અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે જ્યાં અંદાજે એકાદ લાખ લોકો પાણીવિહોણા રહેશે.
