રાજકોટમાં “પ્રેમવતી” સામે શરતભંગની કાર્યવાહી શરુ
ગોંડલરોડ ઉપર આવેલ રેસ્ટોરન્ટ મામલે કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા ફરિયાદ બાદ મામલતદાર દ્વારા રિપોર્ટ કરાયો
રાજકોટ : રાજકોટ શહેરના ગોંડલ રોડ ઉપર વાવડી રેવન્યુ સર્વે નંબરમાં આવેલ “પ્રમુખ વાટિકા પ્રેમવતી”રેસ્ટોરન્ટ દ્વારા રહેણાંક હેતુ માટેની જમીનનો ઔદ્યોગિક ઉપયોગ કરવામાં આવતો હોવાથી શરતભંગની કાર્યવાહી કરવા રાજકોટના કોંગ્રેસના કાર્યકર દ્વારા ફરિયાદ કરવામાં આવતા આ મામલે રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા શરતભંગ અંગેનો રિપોર્ટ તૈયાર કરી મદદનીશ કલેકટર સીટી પ્રાંત-2ને મોકલી આપ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના ગોંડલરોડ ઉપર વાવડી રેવન્યુ સર્વે નંબર 38ની 10 હજાર ચોરસ મીટર જમીન રહેણાંક હેતુ અંતે બિનખેતી થઇ હોવા છતાં અહીં અહીં કોમર્શિયલ અને ઔધોગિક પ્રવૃત્તિ રૂપે “પ્રમુખ વાટિકા પ્રેમવતી રેસ્ટોરન્ટ” ધમધમી રહ્યું હોય કોંગ્રેસ અગ્રણી દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ શરતભંગની કાર્યવાહી કરવા ફરિયાદ કરવામાં આવતા તપાસના આદેશો છૂટ્યા હતા જે બાદ રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા પ્રેમવતી રેસ્ટોરન્ટ મામલે શરતભંગ અંગેનો રિપોર્ટ તૈયાર કરી મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારી રાજકોટ સીટી-2ને મોકલી આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. હવે આ કેસમાં મદદનીશ કલેકટર દ્વારા જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કરવામાં આવતા શરતભંગ અંગેની કાર્યવાહી કરવામાં આવશે.