સફાઈ કામદાર રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષ રાજકોટમાં
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદારોના પ્રશ્નોની સમીક્ષા કરી, કલેકટર કચેરીમાં બેઠક યોજી
રાજકોટ : ભારત સરકારના સફાઈ કર્મચારીઓના રાષ્ટ્રીય આયોગના ઉપાધ્યક્ષ અંજના પવાર ગુરુવારે રાજકોટના પ્રવાસે આવ્યા હતા. તેમણે જિલ્લા કલેકટર કચેરી ખાતે રાજકોટ મહાનગર તેમજ જિલ્લાના સફાઈ કર્મચારીઓના પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ, સફાઈ કર્મચારી યુનિયનો, સંગઠનો, રાજકીય-સામાજિક અગ્રણીઓ, સફાઈ કર્મચારીઓ સાથે વિસ્તૃત બેઠક યોજી હતી.સાથે જ સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓના પ્રશ્નો પણ જાણ્યા હતા.
રાજકોટ કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં અંજના પવારે જણાવ્યું હતું કે, સફાઈ કર્મચારીઓનું રાષ્ટ્રીય આયોગ તમામ રાજ્યોમાં જઈને સફાઈ કર્મચારીઓના આર્થિક, સામાજિક, શૈક્ષણિક પુનઃવસન તેમજ કલ્યાણની સ્થિતિની સમીક્ષા કરે છે. સમાજના છેવાડાના ગણાતા લોકોને મુખ્ય ધારામાં જોડવાના હેતુથી અધ્યયન કરીને સરકારી તંત્રને પગલાં લેવા નિર્દેશ કરે છે. સ્વચ્છતા સૈનિકોને સન્માન આપવું એ આપણી સૌની નૈતિક ફરજ છે. આ તકે રાજકોટ મહાનગર તથા જિલ્લાની નગર પાલિકાઓમાં સફાઈ કર્મચારીઓ માટે તંત્ર દ્વારા લેવાયેલા પગલાંની સ્થિતિ જાણી હતી. ઉપરાંત તેમણે સફાઈ કર્મચારીઓની ભરતી, હેલ્થ ચેકઅપ, ઓળખપત્ર, યુનિફોર્મ, સેલેરી, પેન્શન કેસ તથા હક હિસ્સાની સ્થિતિ, વારસદારને નોકરી, રાજીનામા મંજૂર, મેડિકલ સુવિધા સહિતના પ્રશ્નોની મુદ્દાસર ચર્ચા કરી માહિતી મેળવી હતી.
વધુમાં તેઓએ દરેક સફાઈ કર્મચારીઓનું વર્ષમાં બે વાર આખા શરીરનું મેડિકલ ચેક અપ કરવા, કાયમી તથા કોન્ટ્રાક્ટ પરના તમામ સફાઈ કર્મચારીઓને ઓળખપત્ર આપવા, ઓળખપત્રમાં બ્લડ ગૃપ, પી.એફ., ઈ.એસ.આઇ.સી. નંબર લખવા, યુનિફોર્મ – રેઇન કોટ – સ્વેટર – શૂઝ નિયમિત આપવા, મહિનાના પહેલા સપ્તાહમાં સેલરી જમા કરવા, પડતર પેન્શન કેસોનો નીતિ મુજબ નિકાલ કરવા, મેડિકલ – સારવાર માટે ઉચિત સુવિધા આપવા ઉપાયો સૂચવી નિર્દેશ આપ્યા હતા.