જૂના એરપોર્ટ બગીચાથી ભોમેશ્વર મંદિર સુધીના રસ્તેથી વાહનો પસાર થઈ શકશે
૩૦ દિવસ માટે પોલીસ કમિશનરનું જાહેરનામું પ્રસિદ્ધ
રાજકોટના અડધી સદી જૂના એવા જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલને તોડીને તેના સ્થાને નવો ફોર-લેન બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે બ્રિજ આસપાસના વિસ્તારમાંથી પસાર થનારા વાહનો માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે પ્રમાણે હવેથી જૂના એરપોર્ટ બગીચાથી ભોમેશ્વર મંદિર સુધીના રસ્તેથી વાહનો પસાર થઈ શકશે.
આ અંગે પ્રસિદ્ધ થયેલા જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે અગાઉ હોમ ફોર બોયઝથી જૂના એરપોર્ટ પાસે બગીચા સુધી નવા બ્રિજનું બાંધકામ પૂર્ણ થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવાયો હતો. આ માટે માધાપર ચોકડીથી હોસ્પિટલ ચોક તરફ જવા માંગતા થ્રી-વ્હીલર, કાર, એમ્બ્યુલન્સ જેવા લાઈટ વેઈટ વ્હીકલ જૂના એરપોર્ટ બગીચા ચોકથી ભોમેશ્વર રોડ તરફ જવા માટે પ્રવેશબંધી ફરમાવાઈ હતી.
જો કે હવે ૩૦ દિવસ સુધી પ્રાયોગિક ધોરણે આ માટે વૈકલ્પીક માર્ગ તરીકે માધાપર ચોકડીથી હોસ્પિટલ ચોક તરફ જવા માંગતા લાઈટ વેઈટ વ્હીકલ રેલનગર બ્રિજ ચોક (જૂના એરપોર્ટ બગીચા ચોક)થી ભોમેશ્વર રોડ અને ત્યાંથી ભોમેશ્વર મંદિર થઈ જૂના એરપોર્ટ ફાટક તરફ જઈ શકશે.