વબગડ ચોકડી: લોકોના મોત થશે પછી જ ખાડા બૂરાશે !!
વોર્ડ નં.૧૧માં નવા રિંગરોડ સાથે જોડાયેલી ચોકડીની હાલત અત્યંત ખરાબ: જ્યાં જુઓ ત્યાં ખાડા, રસ્તો શોધી લાવનારને ઈનામ
અંબિકા ટાઉનશિપ વિસ્તારના લોકોએ ભાજપના ઝંડા ઉંધા કરી નાખ્યા તો હવે વગડ ચોકડી વિસ્તારના લોકોએ શરૂ કર્યું ખાડા બૂરો મદદ સદસ્યતા અભિયાન'
રાજકોટમાં અતિ ભારે વરસાદ પડ્યા બાદ રોડ-રસ્તાની હાલત હાડપિંજર જેવી થઈ જવા પામી છે. કેમેય કરીને રસ્તા રિપેર થવાનું નામ લઈ રહ્યા ન હોવાથી લોકોની ધીરજ પણ હવે ખૂટી રહી છે. બીજી બાજુ ભાજપ ઉપર ફિટકાર વરસાવી રહેલા લોકો તરેહ-તરેહનો વિરોધ કરીને તંત્રને અરીસો બતાવી રહ્યા છે.
તાજેતરમાં જ અંબિકા ટાઉનશિપ વિસ્તારના લોકોએ ભાજપના ઝંડા ઉંધા કરી નાખી જ્યાં પાણી ભરાયા હતા તેને તળાવ ગણીને તેનું લોકાર્પણ કરી નાખ્યા બાદ હવે વોર્ડ નં.૧૧ની વગડ ચોકડી કે જેને વગડની જગ્યાએ બગડ કહેવી પડે તેવી સ્થિતિ થઈ ગઈ હોવાથી લોકોએ ભાજપના સદસ્યતા અભિયાનને આડેહાથે લઈનેખાડા બૂરો મદદ સદસ્યતા અભિયાન’ શરૂ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે !
વગડ ચોકડી વિસ્તાર વોર્ડ નં.૧૧માં સમાવિષ્ટ છે જે અગાઉ જિલ્લા પંચાયત હસ્તક હતો. જો કે જ્યારથી મહાપાલિકામાં આ વિસ્તાર ભળ્યો છે ત્યારથી તેની દૂર્દશા થઈ ગઈ હોવાનું સ્થાનિકો રોષપૂર્વક જણાવી રહ્યા છે. લોકોએ તો ત્યાં સુધી કહ્યું કે એક ઈંચ વરસાદ પડે એટલે અહીં તળાવ ભરાઈ જાય છે એટલા મોટા ખાડા પડી ગયા છે. અહીં ખાડા પડ્યાની રજૂઆત કરી કરીને અમે થાકી ગયા છીએ પરંતુ ન તો કોઈ મંત્રી, ન કોઈ ધારાસભ્ય, ન કોઈ કોર્પોરેટર કે ન તો કોઈ નેતા અમારી પીડા સમજી શકતા. હવે અહીં લોકોના મોત થશે પછી જ આ લોકોને ગંભીરતા સમજાશે.
૧૦ ગામને જોડતાં આ રસ્તા પરથી દરરોજ ૨૦,૦૦૦ વાહન ચાલે છે
તુલસીભાઈ નામના રહેવાસીએ જણાવ્યું હતું કે અમે વગડ ચોકડીનો પોણો કિલોમીટરનો રસ્તો કે જે કાયમ તૂટેલો જ રહે છે તેને કાયમી ઠીક કરવા માટે છેલ્લા ૧૦ વર્ષથી રજૂઆત કરી રહ્યા છીએ. ચૂંટણી વખતે પણ અમે આ રજૂઆત કરી ત્યારે એમ કહેવાયું હતું કે અમને ચૂંટાઈ જવા દો એટલે બધું ઠીક કરી દેશું ! ચૂંટણી પૂરી થઈ, જીતી ગયા, સત્તા આવી ગઈ એટલે તમે કોણ ને અમે કોણ જેવું વર્તન અમારી સાથે થઈ રહ્યું છે. આ રસ્તો ૧૦ ગામને જોડી રહ્યો છે જ્યાંથી રોજ ૨૦,૦૦૦ વાહન ચાલી રહ્યા છે.
આને રોડ નહીં વોંકળો જ કહીએ છીએ !
લક્ષ્મણ સાકરિયા નામના વિસ્તારવાસીએ કહ્યું કે વગડ ચોકડીએ રોડ નહીં બલ્કે વોંકળો વહી રહ્યો છે ! અમે રજૂઆત કરી કરીને થાકી ગયા છીએ પરંતુ તંત્રના કાન સુધી અમારો અવાજ પહોંચી રહ્યો નથી. હવે જો ઝડપથી અમને રસ્તાની સુવિધા નહીં મળે તો અમે એવો ચક્કાજામ કરશું કે જ્યાં સુધી અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ચક્કાજામ યથાવત રહેશે.
