કમોસમી વરસાદ: જામજોધપુર પંથકમાં વરસ્યું વરસાદી ઝાપટું
હવામાન વિભાગની આગાહી સાચી ઠરી: ધરતીપુત્રોની વધી ચિંતા
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી હતી જે પ્રમાણે માવઠું થયું હતું. શુક્રવારે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના સમાણા, નરમાણા અને ભોજા બેડી પંથકમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું. જ્યારે આજે વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, ભાવનગર અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી તરફ વેસ્ટર્ન ડિસબર્ન્સને કારણે કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. જેના કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. શુક્રવારે જામજોધપુર પંથકમાં બપોર સુધી અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને સમાણા, ભોજામેડી અને નરમાણા પંથકમાં જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હોવાનું જાણવા મળ્યું છે.
હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગેની આગાહી મુજબ આગામી તા.૧૪ એપ્રિલ એટલે કે, આજે વલસાડ, સુરત, ભરૂચ, નવસારી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પાડવાની શક્યતા છે. આ ઉપરાંત તા.૧૫મીએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જ્યારે તા.૧૬મીએ પણ રાજ્યના અનેક ભાગમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ૩ ડિગ્રી સુધી ઘટાડો થઈ શેક છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આકરો તાપ અનુભવાશે.
મહત્વનું છે કે, રાજકોટમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો આવ્યો છે જો કે, બપોરના સમયે આકરો તાપ અને દિવસ દરમિયાન બફારો લોકોને અકળાવી મૂકે છે. શનિવારે પણ રાજકોટમાં તાપમાનનો પારો ૩૯ ડિગ્રી રહેવા પામ્યો હતો.