નવા સૂચિત જંત્રી દરમાં 200થી 2000 ટકાનો અસહ્ય ભાવ વધારો
સૂચિત જંત્રી સામે બીલ્ડરોનું એલાને જંગ
સોમવારે રાજકોટમાં વિશાળ મૌન રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે
રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા સૂચિત જંત્રીદર -2024 જાહેર કરી વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા છે ત્યારે નવા સૂચિત જંત્રીદર સામે રાજકોટના બિલ્ડરો ખુલીને સામે આવ્યા છે અને આગામી સોમવારે રાજકોટ બિલ્ડર એસોસીએશનના નેતૃત્વ હેઠળ રેવન્યુ બાર એસોસિશિએશન, એન્જીનીયર એસોશિએશન, આર્કિટેક્ટ એસોશિએશન સહિતના અનેક સંગઠનો બહુમાળી ભવનથી કલેકટર કચેરી સુધી મૌન રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 200થી 2000 ટકાનો જંત્રીદર વધારો માન્ય ન હોવાની રજુઆત કરશે.
રાજકોટ બિલ્ડર એસોશિએશન દ્વારા પત્રકાર પરિષદ યોજી નવા સૂચિત જંત્રીદર વધારા તેમજ રાજકોટ મહાનગર પાલિકા અને રૂડાની કાર્યપધ્ધતિ સામે સખ્ત વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, રાજકોટ બિલ્ડર એસોશિએશનના પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા 30 નવેમ્બરે જાહેર કરવામાં આવેલ સૂચિત જંત્રીદરમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારો માટે 200થી 2000 ટકાનો અસહ્ય ભાવ વધારો સૂચવવામાં આવ્યો છે જે બિલ્ડરો માટે જ નહીં પરંતુ તમામ નાગરિકો માટે પણ મુશ્કેલી રૂપ છે, રાજકોટ શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારોમાં 200થી 2000 ટકા સુધી જંત્રીદરમાં વધારો સૂચવવામાં આવ્યો હોય આવનાર દિવસોમાં રિયલ એસ્ટેટને ગંભીર ફટકો પડવાની દહેશત તેમને વ્યક્ત કરી હતી,
વધુમાં પરેશ ગજેરાએ ઉમેર્યું હતું કે, સરકારે જાહેર કરેલી સૂચિત જંત્રીમાં એક મહિનામાં વાંધા સૂચનો રજૂ કરવા સમય મર્યાદા જાહેર કરી છે જે પણ અપૂરતી હોવાનું હોવાનું જણાવી તેમને ઉમેર્યું હતું કે, સરકાર ફક્ત ઓનલાઇન જ વાંધા સૂચનો સ્વીકારી રહી છે જે યોગ્ય નથી કમસેકમ સરકાર 60 દિવસ વધારાના મળી વાંધા સૂચનો માટે કુલ 90 દિવસનો સમય આપે તેમજ ફક્ત ઓનલાઇન જ વાંધાસૂચનો સ્વીકારવાને બદલે જિલ્લા કલેકટર, નાયબ કલેકટર અને મામલતદાર કક્ષાએ પણ ઓફલાઈન વાંધા સૂચનો સ્વીકારે તેવી માંગણી કરી હતી.
પત્રકાર પરિષદમાં પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, સૂચિત જંત્રીદરના વિરોધમાં આગામી તા.8ને સોમવારે શહેરના બહુમાળી ભવન ચોક ખાતેથી બિલ્ડર એસોશિએશનની સાથે રેવન્યુ બાર એસોશિએશન, એન્જીનીયર એસોશિએશન, આર્કિટેક્ટ એસોશિએશન, એસ્ટેટ બ્રોકર એસોશિએશન, રો-મટીરીયલ એસોશિએશન સહિતના અનેક લોકો મૌન રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી નવા સૂચિત જંત્રીદર સામે વિરોધ વ્યક્ત કરવાની સાથે તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યને પણ આવેદનપત્ર પાઠવવામાં આવશે. પત્રકાર પરિષદમાં બિલ્ડર એસોસીએશનના સુજીત ઉદાણી, દિલીપ લાડાણી,ધ્રુવીક તળાવિયા, અમિત ત્રામ્બડીયા, રાજદીપસિંહ જાડેજા અને વિક્રાંત શાહ સાથે રહ્યા હતા.
સૂચિત જંત્રી અમલી બને તો ઘર-ઓફિસ 30 ટકા મોંઘા થશે
રાજકોટ બિલ્ડર એસોશિએશનના પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, સૂચિત જંત્રીદર જો અમલી બને તો સ્ટેમ્પડ્યુટી, એફએસઆઈ ચાર્જીસ પ્રીમિયમ સહિતના ડ્રામા વધારો થાય તો અત્યારે 30 લાખમાં મળતું સપનાનું ઘર લોકોને 36 લાખ રૂપિયા કરતા વધુ મોંઘુ પડશે, સાથે જ જંત્રીદર વધવાથી લોકોના મિલકતવેરા સહિતના દરમાં પણ વધારો સહન કરવો પડશે.
ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ 32 માંથી 2 પ્લાન જ મંજુર
રાજકોટ બિલ્ડર એસોશિએશન દ્વારા યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં ટીઆરપી ગેમઝોન બાદ રાજકોટ મહાનગર પાલિકા અને રૂડા બિલ્ડરોના પ્લાન મંજુર કરવાને બદલે કેમ મંજુર ન થાય તેવી મનોવૃત્તિ અપનાવી રોજે રોજ નવા નવા પરિપત્રો અને નિયમો અમલી બનાવતા હોય ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ આરએમસીમા મુકવામાં આવેલ 32 માંથી ફક્ત બે પ્લાન જ મંજુર કરવાં આવ્યા હોવાનું તેમજ એક જ કિસ્સામા બિયું પરમિશન આપી હોવાનું જણાવી હાલમાં રાજકોટ કોર્પોરેશન અને રૂડાની નીતિને કારણે બીલ્ડરોનો ધંધો ઠપ્પ થઇ ગયો હોવાનું જણાવ્યું હતું.
કોર્પોરેશન અને રૂડા વિરુદ્ધ મુખ્યમંત્રીને ફરિયાદ
રાજકોટ બિલ્ડર એસો.પરેશ ગજેરાએ કહ્યું હતું કે, ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગર પાલિકામાં જુનિયર અને ફ્રેશ ઇજનેરોને મુકવામાં આવ્યા હોવાથી આવા અધિકારીઓને ટીપી સ્કીમ શું છે તેની પણ જાણકારી ન હોવાનું અને જીડીસીઆર શું છે તે પણ જાણકારી ન હોય બિલ્ડરો અને સામાન્ય નાગરિકો જે બિલ્ડીંગ પ્લાન મૂકે છે તેને મંજુર કરવાને બદલે બિલ્ડરો અને નાગરિકો કેમ હેરાન થાય તેવા પ્રયાસો કરી વેલિડેશન સર્ટી સહિતના નવા નવા નિયમો બનાવી લાંબો સમય સુધી હેરાન કરવાની નીતિ અખત્યાર કરતા હોય આ ગંભીર મામલે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.