રાજકોટમાં બે લોકોના હાર્ટ એટેકથી મોત
રાજકોટમાં હાર્ટ અટેકથી મોતનો સીલસીલો યથાવત રહ્યો છે.જેમાં વધુ બે લોકોનો હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. વિગતો મુજબ કાલાવડ રોડ અવધના ઢાળ પાસે રહેતા હિતેશભાઈ બિજલભાઈ રાઠોડ (ઉ.વ. ૨૯) નામનો યુવક પોતાના ઘરે હતો ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને સારવાર અર્થે રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને અહી ટૂંકી સારવારમાં તેનું મોત નીપજ્યું હતું અને તેને હાર્ટ એટેક આવ્યાનું તબીબોએ પ્રાથમિક તારણ આપ્યું હતું. બીજા બનાવમાં જામનગર રોડ પર ગ્રીન લીફ કલબ પાસે રહેતા કિશોરભાઇ ભીખાભાઈ પરમાર નામના 40 વર્ષીય આધેડ રંગપર ગામે તેમના બનેવીના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો થયા બાદ બેભાન થઈને ઢળી પડતાં પરિવાર દ્વારા રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.અને અહી ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી પરિવાર શોકમાં ગરક થયો છે.
