બે મહિનામાં બે મહિનામાં સૌથી નીચા તળિયે: સોનીબજારમાં ખરીદીનો કરંટ
દશેરા,દિવાળી બાદ સ્થાનિક બજારમાં 25% ખરીદી વધી: સોના અને ચાંદીના ભાવમાં 5 ટકાનો ઘટાડો
સોનાના ભાવ આસમાનને આંબી ગયા બાદ નવેમ્બર મહિનામાં સોનાના ભાવમાં ગાબડું પડ્યું છે. સોના અને ચાંદીના ભાવ બે મહિનામાં સૌથી નીચા તળિયે પહોંચ્યા છે. ચાલુ મહિનામાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં પાંચ ટકાનો ઘટાડો થયો છે જ્યારે બે મહિનાના ઉછાળા બાદ ચાંદીમાં પણ પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે.
બંને ધાતુમાં વધારો થવાના પગલે સ્થાનિક બજારમાં પણ અસર વર્તાઈ હતી. છેલ્લા ચાર પાંચ દિવસથી ભાવમાં ઘટાડો થવાને લીધે સોની બજારમાં 25% ખરીદી વધી છે.રાજકોટમાં માર્કેટ બંધ થયા તે સમયે 24 કેરેટ સોનાનો ભાવ 76,700 અને એક કિલો ચાંદીનો ભાવ 91000 નોંધાયો છે.
દિવાળી બાદ ફરીથી સોની બજારમાં ખરીદીનો કરંટ જોવા મળ્યો છે. દેવ દિવાળી પછી લગ્ન ગાળાની મોસમ શરૂ થઈ છે જોકે મોટાભાગના લોકોએ પ્રસંગને અનુરૂપ ખરીદી કરી લીધી છે તેમ છતાં લગ્નમાં ભેટ સોગાત આપવા માટે, નવા વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં લગ્ન આવતા હોવાથી ખરીદી નીકળી છે.
ડોલર ઇન્ડેક્સમાં વધારો અને યુએસ બોન્ડને કારણે સોનું દબાયું છે અને ડોલર ઇન્ડેક્સ નવેમ્બર 2022 પછી સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. જાણીતા તજજ્ઞોનું કહેવું છે કે યુએસમાં ટ્રંપની જીત બાદ સોનુ અને ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
