ધો.10-12 પરીક્ષામાં આ વર્ષે ડી.ઇ.ઓ.નાં નેતૃત્વમાં બે લોકલ સ્ક્વોડ બનશે
5-5 સભ્યોની બે ટીમ કાર્યરત થશે:જિલ્લાના 65 કેન્દ્ર અને 2753 બ્લોકમાં કુલ 76,312 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે:
કરણસિંહજી હાઈસ્કૂલમાં કંટ્રોલરૂમ ઘમઘમશે
આ વખતની બોર્ડની પરીક્ષા દરમિયાન રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારની અધ્યક્ષતામાં બે લોકલ સ્કોડ સક્રિય રહેશે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ રોકવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સ્ક્વોડનું સરપ્રાઈઝ ચેકીંગ થતું હોય છે.જેમાં આ વખતે રાજકોટ જિલ્લામાં પ્રથમ વાર લોકલ સ્ક્વોડનો પ્રયોગ કરાયો છે. જેમાં પાંચ પાંચ સભ્યો કુલ 10 સભ્યોની બે ટીમ બનાવવામાં આવતી જે અલગ અલગ સેન્ટર ઉપર ચેકિંગ કરશે.

આગામી તારીખ 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે તે દરમિયાન રાજકોટ જિલ્લાનો એક્શન પ્લાન જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિની બેઠકમાં જાહેર કરવામાં આવ્યું છે રાજકોટ જિલ્લાના 65 કેન્દ્ર અને 2753 બ્લોકમાં કુલ 76,312 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષા માટે શહેરની કરણસિંહજી હાઈસ્કૂલમાં કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓને કોઈપણ મૂંઝવણ હોય તો તે દૂર કરવા માટે રાજકોટ જિલ્લાના 10 જેટલા ફાળવવામાં હેલ્પલાઇન સેન્ટર શરૂ કરાયા છે. ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ની પરીક્ષા માટેની હોલ ટિકિટ જાહેર કરી દેવામાં આવી છે જે વેબસાઈટ ઉપરથી જઈને ડાઉનલોડ કરી શકાશે.
બોક્સ ડી.ઇ.ઓ.કેન્દ્ર અને બ્લોકની વ્યવસ્થાનું મોનિટરિંગ કરશે
બોર્ડની પરીક્ષાને લઈને જુદી-જુદી વિભાગીય કચેરી સાથે સંકલન ગોઠવીને અધિકારીઓની વિદ્યાર્થીઓની વ્યવસ્થામાં કોઈપણ કચાસ ન રહી જાય તે માટે સૂચના આપવામાં આવી છે. બોર્ડની પરીક્ષાના સંદર્ભે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ કેન્દ્ર,બ્લોકની વ્યવસ્થા અને સીસીટીવી સહિતની બાબતોનું મોનિટરિંગ કરવાનું રહેશે. ઝોનલ કચેરી બિલ્ડીંગ અને કંટ્રોલરૂમમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે તાકીદ કરવામાં આવી છે, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ કે સ્ટાફને કોઈ તબીબી સારવાર ની જરૂર પડે તો પ્રાથમિક મેડિકલ કીટ ની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓને એસટી બસની સુવિધા પૂરી પાડવા જણાવાયું છે.