રાજકોટના એ-ડિવિઝન પોલીસ મથકના બે જવાનને સસ્પેન્ડ કરવામાં કાચું કપાયું ?
પૈસા હારી ગયેલા યુવાને ચૂકવણું ન કરવું પડે તે માટે પોલીસે માર મારી નાણાં પડાવ્યાનું તરકટ રચ્યાની જોરદાર ચર્ચા
જે સોનું પોલીસે પડાવી લીધાનો દાવો કરાયો તે ફરિયાદીએ જ વેચીને રોકડી કરી લીધાનો ગણગણાટ: ગાળિયો આવ્યો પોલીસના ગળામાં !
રાજકોટના એક સોની વેપારીએ લીંબડીમાં પુત્રીના ઘેર જઈને આપઘાત કરી લીધાની ચોંકાવનારી ઘટના બન્યા બાદ લીંબડી પોલીસ દ્વારા ચાર લોકો સામે ગુનો દાખલ કરાયો હતો. આ બધાની વચ્ચે મૃતકના પુત્રએ રાજકોટના એ-ડિવિઝન પોલીસ મથકના બે કોન્સ્ટેબલ સામે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ બન્ને દ્વારા અરજીના કામે પોલીસ મથકે બોલાવીને ૩૦ લાખ રૂપિયાનું સોનું પડાવી લીધું હતું. આ મામલો વાયુવેગે પ્રસરી જતાં પોલીસ કમિશનર દ્વારા એ-ડિવિઝન પોલીસ મથકના કિશન આહિર અને ભગીરથસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવતાં પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. હવે આ મામલાએ નવો વળાંક લઈ લીધો છે જેમાં એવી અટકળો અને ચર્ચાઓ શરૂ થઈ છે કે બન્ને પોલીસ જવાનો નિર્દોષ છે એટલા માટે તેમને સસ્પેન્ડ કરવામાં કાચું કપાઈ જવા પામ્યું છે.
બન્ને પોલીસ જવાન સામે હિરેન આડેસરા નામના શખ્સે આક્ષેપ કર્યા હતા. જો કે હવે એવી વાત અને ચર્ચા શરૂ થવા પામી છે કે હિરેન પૈસા હારી ગયો હોવાને કારણે તેણે જ પોતાની રીતે સોનું વેચી નાખ્યું હતું અને આ પૈસાનું ચૂકવણું ન કરવું પડે તે માટે તેણે પોલીસ ઉપર દોષનો ટોપલો ઢોળી દઈને પોતાના માટે છટકબાલી શોધી લીધી હતી.
પોલીસ બેડામાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે બન્ને પોલીસ જવાન દ્વારા હિરેન પાસેથી કોઈ જ પ્રકારનું સોનું પડાવી લેવામાં આવ્યું નથી. વાસ્તવિક્તા કંઈક ઔર જ છે કેમ કે હિરેનને જ્યારે બોલાવવામાં આવ્યો ત્યારે તેની પાસે કોઈ પ્રકારનું સોનું હતું જ નથી. એકંદરે બન્ને જવાનોને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાથી તેમને પરત નોકરીએ લઈ લેવા જોઈએ.