ભાવનગરમાં 17 વર્ષના તરુણ અને રાજકોટમાં ખેડૂત સહિત બે ના હદય બંધ પડી ગયા
હાર્ટ એટેકે એક જ દિવસમાં વધુ ત્રણનો ભોગ લીધો
રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે. હાર્ટ એટેકની ઘટનાઓમાં યુવાનો જીવ ગુમાવી રહ્યા છે. હાર્ટ એટેકના વધી રહેલા બનાવોમાં એક દિવસમાં વધુ વ્યક્તિના મોત થયા છે જેમાં ભાવનગરના 17 વર્ષના તરુણ તેમજ રાજકોટના બામણબોર ગામના શાળાના પટાવાળા તેમજ રિબ ગામના ખેડૂતનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત થયું હતું.
ભાવનગરના માઢીયા ગામના 17 વર્ષના કિશોરનું ધબકતું હૃદય બંધ થયું હતું ,વિજય ચૌહાણ નામનો માત્ર 17 વર્ષનો તરુણ રાત્રે 10 વાગ્યે સુઇ ગયો હતો, પરંતુ ઊંઘમાં જ તેમને હાર્ટ અટેક આવી જતાં તે સૂતા બાદ જાગ્યો જ નહી. તેમને બેભાન અવસ્થામાં સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં પરિવારની હાજરીમાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું. વિજય ચૌહાણનું હાર્ટ અટેકના હુમલાથી મોત થયાનું તબીબોએ જણાવ્યું હતું.
બીજા બનાવમાં રાજકોટના બામણબોર ગામમાં રહેતા અને ઉત્તર બુનિયાદી હાઉસ્કૂલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા ઘુઘાભાઇ મોહનભાઇ સારદીયા (ઉ.વ.58)ને પોતાના ઘરે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડતા હોસ્પીટલે ખસેડયા હતા. પણ સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયું હતું.
ત્રીજા બનાવમાં મુળ રીબ ગામના અને હાલ બાલાજી હોલ પાસે રામ પાર્કમાં આવેલ શ્રીજી દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા મનીષભાઈ ગોરધનભાઈ રાખોલીયા (ઉ.45) રાતે ઘરે સુતા બાદ જાગ્યા જ નહિ તેમને બેભાન હાલતમાં સારવારમાં ખસેડયા હતા. જયાં તેમને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. પીએમના પ્રાથમીક રીપોર્ટમાં મનીષભાઈનું મોત હાર્ટએટેકથી થયાનું સામે આવ્યું હતું.