દિવાળીના બે દિવસ પહેલાં મનપાને યાદ આવ્યો મુખવાસ !
પ્રહલાદ ટોકીઝ પાસે અલંકાર મુખવાસ'માંથી ૧૦ કિલો સડેલો મુખવાસ પકડાયો: ૨૩ સ્થળેથી મુખવાસ સહિતના નમૂના લેવાયા
દિવાળીનો તહેવાર અડોઅડ આવી ગયો બરાબર ત્યારે જ મહાપાલિકાની ફૂડ શાખાને તહેવારમાં ઢગલામોઢે ખવાઈ જતો મુખવાસ યાદ આવ્યો અને ધડાધડ ચેકિંગ શરૂ કરી નમૂના લઈ લીધા હતા. વળી, જૂની પ્રહલાદ ટોકીઝ પાસે આવેલા
અલંકાર મુખવાસ’ને ત્યાં ચેકિંગ કરવામાં આવતાં એકદમ પડતર થઈ ગયેલો ૧૦ કિલો મુખવાસનો જથ્થો મળી આવતાં સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે પડતર મુખવાસનો માત્ર ૧૦ જ કિલોનો જથ્થો પકડાયો છે ત્યારે મહાપાલિકાએ ચેકિંગ કર્યું તેના અગાઉ આ પ્રકારનો મુખવાસ કેટલો વેચાઈ ગયો હશે ?
ફૂડ શાખા દ્વારા પંચાયત ચોકમાં મુખવાસ વર્લ્ડમાંથી ક્રિસ્ટલ મુખવાસ, રંગોલી મુખવાસ ઉપરાંત પરાબજારમાં અમૃત મુખવાસમાંથી રજવાડી, કાઠિયાવાડી મુખવાસ, પરાબજારમાં રોયલ કલા કેન્દ્રમાંથી તલ ગોટલી મુખવાસ, પ્રકાશ સ્ટોર્સમાંથી સેવન સીડ મુખવાસ, જામનગરી મુખવાસવાલામાંથી આયુર્વેદિક મુખવાસ, અલંકાર મુખવાસમાંથી પુષ્કર મુખવાસ, સ્વીટ મીક્સ મુખવાસ ઉપરાંત અલગ-અલગ સ્થળોએથી તલ અજમા, આમળા, મારવાડી સહિતના મુખવાસ તેમજ શુદ્ધ ઘી સહિતના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.