ડેંગ્યુ-મેલેરિયા ફેલાવતાં મચ્છરોને મોકળું મેદાન આપતી બે બાંધકામ સાઈટ સીલ
જીવરાજ પાર્કમાં આર.જે.રેસિડેન્સી પ્લોટમાં જયેશ સોરઠિયા અને અશ્વિન વરમોરાની બાંધકામ સાઈટ ઉપર મચ્છરોના ઢગલાં મળ્યા
રાજકોટમાં ડેંગ્યુ, મેલેરિયા સહિતના મચ્છરજન્ય રોગચાળાએ ઉપાડો લીધો હોવાથી તંત્ર દ્વારા તેની રફ્તારને બ્રેક લગાવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને મચ્છરોને ફેલાવા માટે મોકળું મેદાન આપતી બાંધકામ સાઈટ, સંકુલો સહિતના સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે અનુસંધાને વોર્ડ નં.૧૧માં જીવરાજ પાર્કમાં આવેલી બે બાંધકામ સાઈટને સીલ કરી દેવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આરોગ્ય શાખા દ્વારા જીવરાજ પાર્ક મેઈન રોડ, આસોપાલવ લક્ઝુરિયાની સામેના વિસ્તારમાં આર.જે.રેસિડેન્સી નામનો પ્લોટ કે જ્યાં જયેશ ભરતભાઈ સોરઠીયા અને અશ્વિન વરમોરાની ચાલું બાંધકામ સાઈટનું ચેકિંગ અગાઉ કરાતાં ત્યાં મચ્છરના પોરા મળી આવ્યા હતા જેથી બન્નેને નોટિસ ફટકારાઈ હતી. બીજી વખત આ સાઈટનું ચેકિંગ કરાતાં એ જ સ્થિતિ હોવાથી આખરે સીલ લગાવી દેવામાં આવ્યું હતું.
આ સિવાય આરોગ્ય શાખા દ્વારા ઓગસ્ટ દરમિયાન વિવિધ હોટેલ, બાંધકામ સાઈટ સહિત ૧૮૧ સ્થળોએ ચેકિંગ કરી મચ્છર ઉત્પતિ બદલ ૬૯ લોકો પાસેથી ૮૬૭૦૦ના દંડની વસૂલાત કરવામાં આવી હતી.