ટ્રિન…ટ્રિન…૧૦૦ અને ૧૦૧ નંબર આખી રાત રણક્યો !
૪૮ કલાકમાં અલગ-અલગ વિસ્તારોમાં આગના ફાયર બ્રિગેડને મળ્યા ૩૮ કોલ
પોલીસ કંટ્રોલ રૂમમાં સાચા-ખોટા અનેક કોલ્સ: છરીઓ કાઢ્યાના, મારામારી કર્યાના જ ફોન વધુ
ભંગારનો ડેલો, ડમ્પર, સ્કૂટર સળગ્યા: સદ્ભાગ્યે ક્યાંય જાનહાની નહીં
દિવાળીએ રાજકોટમાં આ વખતે પાછલા વર્ષોની તુલનાએ ફટાકડા વધુ પ્રમાણમાં ફૂટ્યા હતા. એક પણ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં ફટાકડા ફૂટ્યા ન હોય. હવે જ્યારે ફટાકડા વધુ ફૂટે એટલે આગ લાગવાના કિસ્સામાં પણ વધારો થવો સ્વાભાવિક છે. વળી, દિવાળી પર `છાકટા’ બનીને લખણ ઝળકાવનારા આવારા તત્ત્વો પણ પોત પ્રકાશી રહ્યા હોય પોલીસ માટે પણ દિવાળીનો દિવસ ઘણો પડકારજનક બની રહે છે. એકંદરે દિવાળીના દિવસે ૧૦૦ (પોલીસ કંટ્રોલરૂમ) અને ૧૦૧ (ફાયરબ્રિગેડ) નંબર આખી રાત રણક્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ફાયર બ્રિગેડની વાત કરવામાં આવે તો ૪૮ કલાકની અંદર ૩૮ સ્થળે આગ લાગ્યાના કોલ મળ્યા હતા. જો કે અગાઉથી જ એલર્ટ ફાયર જવાનોએ સમયસર પહોંચી જઈને આગને વિકરાળ સ્વરૂપ ધારણ કરવા દીધું ન્હોતું સાથે સાથે લાખો રૂપિયાનો સામાન પણ બચાવ્યો હતો. ખાસ કરીને આગની ઝપટમાં ભંગારનો ડેલો, ડમ્પર, સ્કૂટર સહિતના ચડી ગયા હતા. સદ્ભાગ્યે ક્યાંય જાનહાનીનો બનાવ બન્યો ન્હોતો.
આ જ રીતે પોલીસ કંટ્રોલરૂમમાં પણ સાચા-ખોટા અનેક ફોનકોલ્સ આવતાં પોલીસે રાઉન્ડ ધ ક્લોક દોડવું પડ્યું હતું. અહીં છરી કાઢીને લુખ્ખાગીરી કરી રહ્યાના તેમજ મારામારીના ફોન વધુ પ્રમાણમાં મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
કયા વિસ્તારમાં નોંધાયા આગના બનાવ
- રણુજા મંદિર પાછળ પટેલ પાર્ક પાસે કચરામાં
- મવડીમાં શ્રીનાથજી સોસાયટી શેરી નં.૭માં મકાનની અંદર ફ્રિઝમાં
- કોઠારિયા મેઈન રોડ પર સૂતા હનુમાનવાળી શેરીમાં કચરામાં
- દેવપરા શાક માર્કેટ પાસે ઈલેક્ટ્રિક થાંભલામાં
- કોઠારિયા મેઈન રોડ પર મયુર પાનની સામે કચરામાં
- જિલ્લા ગાર્ડન આગળ ખડપીઠવાળી શેરીમાં પડેલા કચરામાં
- સંતકબીર રોડ પર મેહુલ પ્રિન્ટિંગની બાજુમાં પડેલા કચરામાં
- ૧૫૦ ફૂટ રોડ પર માધવ પાર્ક શેરી નં.૩માં મકાનના બીજા માળે
- ૫૦ ફૂટ રોડ પર મયુર પાનની સામે કચરામાં
- ૪૦ ફૂટ રોડ પર આહિર ચોકમાં બાબા પાનની શેરીમાં પડેલા કચરામાં
- ગોકુલધામ મેઈન રોડ પર વિજય હોટેલવાળી શેરીમાં પડેલા કચરામાં
- લોકમાન્ય તીલક ટાઉનશિપના છઠ્ઠા માળે ફ્લેટમાં
- ઢેબર રોડ પર મધુરમ હોસ્પિટલ બાજુની શેરીના ખુલ્લા વંડામાં
- રેલનગર ફાયર સ્ટેશન સામે આવેલા વંડામાં
- રેસકોર્સ પાર્ક ફ્લેટ નં.૩૪ની બાલ્કનીમાં
- ગોંડલ રોડ બ્રિજ નીચે વેદવાડી-૪માં પડેલા કચરામાં
- નવાગામ સમજુ પાર્ક સામે મકાનમાં
- નહેરુનગર મેઈન રોડ પર સ્માઈલ પ્લસ ડેન્ટલ દવાખાનાની છત પર
- યુનિ.રોડ પર નંદગામ નોવા સ્કૂલ પાસે પડેલા કચરામાં
- ગાંધીગ્રામમાં ગાયત્રી ડેરી પાસે પડેલા સ્કૂટરમાં
- રાજનગર ચોક તરફ રસ્તે ગોલ્ડન સુપર માર્કેટની સામે અગાસીમાં
- હનુમાન મઢી પાસે વંડામાં
- નવાગામમાં શ્રીજી એન્ટરપ્રાઈઝ નામના ગોડાઉનમાં
- કૂવાડવા રોડ પર રણછોડનગર-૧૦માં એમ.કે.સિલ્વર નામના કારખાનામાં
- કાંતા સ્ત્રી વિકાસ ગૃહ મેઈન રોડ પર કચરામાં
- શ્યામ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ બંધ વંડામાં
- રેલનગર વિસ્તારમાં કુંજ રોડ પર વંડામાં
- ગૌતમનગર શેરી નં.૬, નવજીવન સ્કૂલ સામે વંડામાં
- ૧૫૦ ફૂટ રિંગરોડ પર ઝૂડિયો શો-રૂમ પાસે ખુલ્લા પ્લોટમાં
- રૈયાધાર ઈન્દીરાનગર રાણીમા રૂડીમા ચોક પાસે ભંગારના ડેલામાં
- યુનિ.રોડ પર આયુર્વેદિક હોસ્પિટલ પાસે પાર્કિંગમાં પડેલા કચરામાં
- રેલનગર ફાયર સ્ટેશનની સામે પડેલા ડમ્પરમાં
- ભૂતખાના ચોક પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં પડેલા કચરામાં
૨૮ લોકોએ સિવિલમાં લીધી સારવાર
દિવાળીના દિવસે ફટાકડા ફોડતી વખતે અથવા તો કોઈ બીજી રીતે દાઝી ગયા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેનારા લોકોની સંખ્યા ૨૮ નોંધાઈ હતી. આ ૨૮માં પુરુષ ૧૧, મહિલા ૩, બાળકી ૨ અને ૧૨ બાળક સામેલ છે.
