અધિકારીની બદલી તો તેને મળેલી ગીફ્ટ છે: હાઈકોર્ટ
અગ્નિકાંડ માટે મનપા-કમિશનરને જવાબદાર ઠેરવતી હાઈકોર્ટસીટ'નો રિપોર્ટ આવે પછી વધુ પગલાં લેશું: સરકાર
પેટા: ગેઈમ ઝોન શરૂ થયો ત્યારથી લઈ ઘટના બની ત્યાં સુધીના કમિશનર સસ્પેન્ડ કેમ નહીં ?
મનપાના બીજા વિભાગના કર્મીઓ પર જ બધું ઢોળી દેવામાં આવે છે
ફાયર સેફ્ટીને લઈને હવે કાર્યવાહી શરૂ કરી, પહેલાં કરી હોત તો અગ્નિકાંડ ન થયો હોત: સરકારની ઝાટકણી
૧૩ જૂને હાઈકોર્ટમાં વધુ સુનાવણી
રાજકોટના ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ મુદ્દે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા આ વખતે પણ આકરાં વલણ સાથે આ કાંડ બદલ મહાપાલિકા અને મ્યુનિસિપલ કમિશનરને જ જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા સાથે સાથે ટીપ્પણીઓ પણ કરવામાં આવી હતી. અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની તાત્કાલિક અસરથી બદલી કરી નાખવામાં આવી હતી જે મુદ્દે હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઉચ્ચ અધિકારીની બદલી એ તો તેમને મળેલી ગીફ્ટ છે ! આ ટીપ્પણીના જવાબરૂપે સરકાર તરફે રોકાયેલા વકીલ દ્વારા એવો બચાવ કરાયો હતો કે
સીટ’ના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ જે આવી ગયા બાદ વધુ પગલાં લેવામાં આવશે. હવે આ મામલે ૧૩ જૂને હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
હાઈકોર્ટ દ્વારા એવી ટીપ્પણી કરવામાં આવી તે ગેઈમ ઝોન શરૂ થયો ત્યારથી લઈ ઘટના બની ત્યાં સુધીના મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કેમ કરવામાં આવ્યા નથી ? સરકાર દ્વારા અન્ય વિભાગના કર્મચારીઓ ઉપર બધું ઢોળી દેવામાં આવે છે. મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં શા માટે આવી નથી ? ગેઈમ ઝોનને ૨૦૨૩માં નોટિસ ફટકારાઈ હતી ત્યારે મહાપાલિકા અને મ્યુનિસિપલ કમિશનરે એક વર્ષની અંદર શું કાર્યવાહી કરી તેવો સવાલ પણ કોર્ટે પૂછયો હતો. આ ઘટના બાદ મ્યુનિસિપલ કમિશનર વ્યક્તિગત જવાબદાર છે તેવું હાઈકોર્ટે નોંધ્યું હતું.
સરકારની ઝાટકણી કાઢતાં હાઈકોર્ટે કહ્યું કે હવે ફાયર સેફ્ટીની કાર્યવાહી કરાઈ રહી છે ત્યારે જો આ કાર્યવાહી પહેલાં જ કરી હોત તો અગ્નિકાંડ થયો જ ન હોત.
એડવોકેટ એસો.ના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ દલીલ કરતા કહ્યું કે સીટને તપાસ કરીને ૧૦ દિવસમાં રિપોર્ટ સોંપવા માટે કહેવાયું હતું પરંતુ હવે તે વધુ સમય માંગે છે જેથી કરીને ત્યાં સુધીમાં વધુ પૂરાવાનો નાશ થઈ શકે.
હાઈકોર્ટે એવું પણ કહ્યું કે ગેઈમ ઝોન ગેરકાયદેસર હતો છતાં કાર્યવાહી કરવામાં કેમ ન આવી ? શું અધિકારીઓ આગ લાવાની રાહ જોઈ રહ્યા હતા ? એડવોકેટ જનરલે કહ્યું કે આ ઘટના પાછળ જવાબદારોને સસ્પેન્ડ કરવામાં આવે છે જ્યારેે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરાઈ છે પરંતુ તેમને પોસ્ટીંગ અપાયું નથી. આ દલીલનો જવાબ આપતાં હાઈકોર્ટે કહ્યું કે બદલી એ તો ગીફ્ટ કહેવાશે, સરકારે સસ્પેન્ડ કેમ ન કર્યા ? આ પછી એડવોકેટ જનરલે કહ્યું કે અમે સીટના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ જે આવી ગયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અધિકારી સામે હત્યાની કલમ કેમ ન લાગે ?
અરજદાર તરફેના સિનિયર વકીલ અમિત પંચાલે એવી દલીલ પણ કરી હતી કે રાજ્યમાં બિલ્ડિંગ બન્યા બાદ તેની પાસે એનઓસી અને બિલ્ડિંગ યુઝ પરમીશન છે કે નહીં તે જોવાનો તંત્ર પાસે સમય જ નથી. આવી દૂર્ઘટના બન્યા બાદ બધા જાગે છે ત્યારે આ તે વળી કેવી સીસ્ટમ કહેવાય ? ફાયર સેફ્ટીના નિયમની ચુસ્ત અમલવારી ન કરવા બદલ અધિકારીઓ સામે હત્યાની કલમ ઉમેરવી જોઈએ.
સરકાર ૪ લાખ આપી, દુ:ખ વ્યક્ત કરીને છૂટી જાય છે
અમિત પંચાલે એવી પણ દલીલ કરી હતી કે સરકાર ચાર લાખ રૂપિયાનું વળતર અને દુ:ખ વ્યક્ત કરીને દર વખતે છૂટી જાય છે એટલા માટે હવે સીટના રિપોર્ટની રાહ જોયા વગર જો સરકાર અધિકારીઓ સામે પગલાં ન લ્યે તો કોર્ટે લેવા જોઈએ.
નાના કર્મીઓને સસ્પેન્ડ કરીને મીડિયામાં દેખાડો થઈ રહ્યો છે !
મહાપાલિકા દ્વારા નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને મીડિયામાં દેખાડો જ કરવામાં આવી રહ્યો હોવાની દલીલ પણ એડવોકેટ પંચાલ દ્વારા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે કોર્ટે પણ આ દિશામાં કાર્યવાહી કરવી જોઈએ કેમ કે તે લોકશાહીનો ત્રીજો સ્તંભ છે.
`સીટ’ને ૨૮ જૂન સુધીમાં તમામ રિપોર્ટ સબમિટ કરવા આદેશ
હાઈકોર્ટ દ્વારા સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ને તપાસ લગત તમામ રિપોર્ટ ૨૮ જૂન સુધીમાં સબમિટ કરાવી દેવા આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે આ મામલે વધુ સુનાવણી ૧૩ જૂને કરવામાં આવશે.