આજે લાભ પાંચમ: ધંધા-રોજગાર ધમધમશે
શુભ મુહૂર્તમાં વેપારીઓ કરશે ધંધા-વેપારની શરૂઆત
આજે લાભપાંચમના તહેવારથી વેપારીઓ પોતાના ધંધા-રોજગારની શરૂઆત કરશે. દિવાળીના તહેવારો દરમિયાન વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા. જ્યારે લાભ પાંચમના શુભ દિવસથી પોતાના ધંધાની શરૂઆત કરશે અને શહેરની બજારોમાં દુકાનો ધમધમવા લાગશે.
દિવાળીના પાંચ દિવસ બાદ લાભ પાંચમના દિવસે રાજકોટમાં વેપારીઓ પોતાના ધંધા રોજગાર અને વેપારના વિકાસ માટે શુભ ચોઘડિયામાં વેપારની શરૂઆત કરશે. સતત પાંચ દિવસની રજાઓ બાદ વેપારીઓ ભગવાનને કુમકુમ તિલક કરીને વેપારની શરૂઆત કરશે. શહેરની તમામ બજારો દિવાળીના તહેવારોમાં બંધ રહ્યા બાદ ફરી એકવાર ધધમવા લાગશે અને બજારોમાં લોકોની ચહલપહલ જોવા મળશે. હિન્દુ ધર્મમાં ચાલી આવતી પરંપરા મુજબ દિવાળીના દિવસે દુકાનો બંધ કરી દેવામાં આવે છે અને લાભ પાંચમના દિવસે ફરીથી ખોલવામાં આવે છે. આજના દિવસે વેપારમાં અને જીવનમાં શુભ લાભ મળવાની માન્યતા છે. આજના દિવસે વેપારીઓ નવા ખાતાવહી શરૂ કરે છે. જેમાં ડાબી બાજુ કુમકુમથી શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજીની પુજા કરવામાં આવે છે.