ઝનાના હોસ્પિટલની આજની ‘ગંદી’ તસવીર !
મહાપાલિકાએ સ્વચ્છતામાં જેને પહેલો નંબર આપ્યો તે…દર્દીઓના પરિજનો જ્યાં બેસે છે તે કમ્પાઉન્ડમાં જ સોલિડ વેસ્ટના પોટલાં, ટોયલેટના પોખરાં, પ્લાસ્ટર ઑફ પેરીસના ટુકડા, સિમેન્ટ, લાકડા-ગાદલાના ભંગારનો ઢગલો
મનપાએ કયા આધારે હોસ્પિટલને સ્વચ્છ ગણી હશે ? આંખ બંધ કરીને કે પછી...?
રાજકોટમાં સ્વચ્છતાનું ધોરણ ઉંચુ આવે તે માટે મહાપાલિકા દ્વારા સ્વચ્છ સંકુલોને એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરી રહી છે. જો કે આ એવોર્ડ આપવામાં પણ કાચું કપાઈ રહ્યું અથવા તો કાચું કપાઈ ગયું હોય તેવી એક વાત બહાર આવી છે. મહાપાલિકાએ
સ્વચ્છ હોસ્પિટલ’ કેટેગરીમાં ઝનાના હોસ્પિટલને પ્રથમ ક્રમ આપ્યો છે જેની સામે વોઈસ ઓફ ડે'એ રિયાલિટી ચેક કરતાં સ્થિતિ તદ્દન વિપરિત છે.
વોઈસ ઓફ ડે’ દ્વારા ઝનાના હોસ્પિટલની આજની `ગંદી’ તસવીરો પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે જે જોઈને ઝનાના હોસ્પિટલને એવોર્ડ આપનાર અધિકારી-પદાધિકારી અને એવોર્ડ મેળવનાર હોસ્પિટલના તંત્રવાહકોનું માથું શરમથી ઝૂકી જશે તે નિશ્ચિત છે !
ઝનાના હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ કચરાના ઢગલા પડ્યા છે. ખાસ કરીને હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિજનો જ્યાં બેસે છે તે કમ્પાઉન્ડમાં જ સોલિડ વેસ્ટના છ પોટલા પડેલાં દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત તેનાથી બે પગલાં આગળ ટોયલેટના ત્રણ પોખરા જોવા મળી રહ્યા છે તો તેની બાજુમાં રેતી સહિતનો ઢગલો જોવા મળી રહ્યો છે. આ જ રીતે અહીં પ્લાસ્ટર ઓફ પેરિસના ટુકડા, સિમેન્ટ સહિતની ગંદકી પણ કમ્પાઉન્ડમાં જ ઠાલવી દેવામાં આવી છે તો અમુક જગ્યાએ લાકડા-ગાદલાના ભંગારનો ઢગલો પડેલો છે. એકંદરે આટઆટલી ગંદકી હોવા છતાં ઝનાના હોસ્પિટલની સ્વચ્છ હોસ્પિટલ તરીકે પસંદગી કયા આધારે કરવામાં આવી હશે તે પ્રશ્ન પૂછી લેનારી વાત છે. એટલું જ નહીં અહીં પડેલી ગંદકીને કારણે ઝનાના હોસ્પિટલને એવોર્ડ નહીં બલ્કે દંડ ફટકારવો જોઈએ તેવું દર્દીઓના પરિજનો રોષભેર જણાવી રહ્યા છે !
કોને કયો એવોર્ડ મળ્યો (પ્રથમ નંબરના વિજેતા)
સ્વચ્છ હોસ્પિટલ: ઝનાના હોસ્પિટલ
સ્વચ્છ હોટેલ: ધ ફર્ન
સ્વચ્છ રેસિડેન્સ વેલ્ફેર એસો.: શ્યામલ વાટિકા
સ્વચ્છ સ્કૂલ: રાજ કુમાર કોલેજ
સ્વચ્છ માર્કેટ એસો.: ધ સ્પાયર
સ્વચ્છ સરકારી કચેરી: આયકર ભવન
સ્વચ્છ વોર્ડ: વોર્ડ નં.૮
સ્વચ્છ ચેમ્પિયન, મેન-વિમેન કેટેગરી: સ્વ સહાય જૂથ
સ્વચ્છ એનજીઓ: રોટરી ક્લબ ઑફ રાજકોટ
સી.એસ.આર.: એબેલોન ક્લિન એનર્જી પ્રા.લિ
સિટીઝન: રશેશભાઈ વ્યાસ
સિટીઝન ગ્રુપ: રોબીન હુડ આર્મી
કોર્પોરેટર: નયનાબેન પેઢડિયા