આજે રાજકોટનું આકાશ મહાકાય પતંગોથી રંગાશે
યુએસ, યુકે, રશિયા, આફ્રિકા સહિતના દેશોના પતંગબાજો ચગાવશે એક એકથી ચડિયાતા પતંગ
ડી.જે.સહિતની ધૂમ સાથે સવારે ૯ વાગ્યાથી ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં શરૂ થશે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ
રાજકોટ મહાપાલિકા દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉતરાયણના બે દિવસ અગાઉ આજે રાજકોટના ડી.એચ.કોલેજ ગ્રાઉન્ડ પર સવારે ૯ વાગ્યાથી પતંગ મહોત્સવનો પ્રારંભ થશે જેમાં એક એકથી ચડિયાતા મહાકાય પતંગથી રાજકોટનું આકાશ રંગાઈ ગયેલું જોવા મળશે. આ પતંગ મહોત્સવમાં યુ.કે, યુ.એસ., રશિયા, આફ્રિકા સહિતના દેશોના પતંગબાજો ઉમળકાભેર ભાગ લેવાના છે સાથે સાથે પંજાબ, રાજસ્થાનથી પણ પતંગવીરો સામેલ થશે.
મહાપાલિકા દ્વારા ગ્રાઉન્ડ પર જ મુખ્ય સ્ટેજ, સાઉન્ડ, એન્ટ્રી પોઈન્ટ, વીઆઈપી પાર્કિંગ, જનરલ પાર્કિંગ, પતંગવીરો માટે અલગથી સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે સફાઈ તેમજ પતંગવીરોના મોંઘેરા પતંગ ખોવાઈ કે ચોરાઈ ન જાય તે માટે સલામતિ ઉપર પણ પૂરતું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે કારણ કે ગત વર્ષે પણ એક પતંગવીરનો ૨૫ હજારનો પતંગ ખોવાઈ જતાં પોલીસમાં ભારે દોડધામ થઈ પડી હતી.
દરમિયાન આ પતંગ મહોત્સવમાં ગ્રીસ, ઈટાલી, લેબનોન, લીથુઅનિયા, પોલેન્ડ, નેધરેલેન્ડ, પોર્ટુગલ, રશિયન ફેડરેશન, સાઉથ આફ્રિકા, સ્પેન, સ્વિત્ઝરલેન્ડ, યુનાઈટેડ કિંગડમ, યુનાઈટેડ સ્ટેટસ, વિયેતનામ સહિતના વિદેશી પતંગવીરો તો ભાગ લેશે જ સાથે સાથે પંજાબ-રાજસ્થાનથી પણ પતંગબાજ રાજકોટમાં જમાવટ કરશે.