આજે રાજકોટનો રસરંગ લોકમેળો પ્રવાસન મંત્રીના હસ્તે ખુલ્લો મુકાશે
પાંચ દિવસમાં 10 લાખથી વધુલોકો ઉમટશે: રમકડાના 178 સ્ટોલ, યાંત્રિક રાઇડ્સના 44 પ્લોટ અને ખાણીપીણી સહિતના સ્ટોલનું આકર્ષણ
સૌરાષ્ટ્રના હૃદય સમા રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આજથી રસરંગ લોક મેળો શરૂ થશે. લોકમેળામાં સૌરાષ્ટ્રની પ્રજાને સતત પાંચ દિવસ મોજ માણવા મળશે. પવિત્ર પર્વ કૃષ્ણ જન્માષ્ટમીનો ધબકાર એટલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત પ્રસંગ રસરંગ લોકમેળો. જેનો આજે પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે સાંજે 4:30 વાગ્યે રેસકોર્સ મેદાનમાં ખુલ્લો મુકાશે. આજથી શરૂ થતા રસરંગ લોકમેળાને વધુ રંગીન બનાવવા માટે રેસકોસ મેદાનના સ્ટેજ ઉપર સાંસ્કૃતિક કરાયક્રમો અંતર્ગત ગુજરાત ભરના વિવિધ લોકનૃત્યોની રમઝટ જોવા મળશે.આ મેળામાં અંદાજે 10 લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી શક્યતા જોવાઈ રહી છે. આજથી 9 સપ્ટેમ્બર સુધી લોકમેળો જમાવટ કરશે.
રાજકોટને રોશની અને રંગોથી વધુ રંગીન બનાવતા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તેના રસરંગ લોકમેળામાં આજે સાંજથી જ લોકોની અવાર-જવર શરૂ થઈ જશે. જોકે લોકમેળામાં દર વર્ષની જેમ અવનવી રાઇડ્સનું આકર્ષણ રહેશે. દિવસના ભાગમાં ગ્રામ્ય પ્રજા અને રાતના શહેરીજનો મેળાની મોજ માણવા ઉમટી પડતી હોય છે. લોકમેળામાં ઊંચી ઊંચી એક એક થી ચડિયાતી રંગબેરંગી અને રાતે રોશની થી ઝળહળતી રાઇડ્સની મજા તો સૌરાષ્ટ્રવાસીઓ મન મૂકીને લેતા જ હોય છે. રમકડાના 178 સ્ટોલ તેમજ યાંત્રિક રાઇડ્સના 44 પ્લોટ ઉપરાંત ખાણીપીણીના અને મધ્યમ ચકરડીના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. સાથોસાથ સુરક્ષાની દ્રષ્ટિએ લોકમેળાની અંદર 18 વોચ ટાવર ઉપર સીસીટીવી કેમેરાથી વોચ રખાશે. દેશભરમાં યોજાતા લોકમેળામાં રાજકોટનો મેળો શ્રેષ્ઠ અને ખરા અર્થમાં લોકપ્રિય મેળો ગણી શકાય છે.
લોકમેળામાં વીજ ફોલ્ટ નહિ સર્જાય: બેક પાવર સિસ્ટમની કરાઈ વ્યવસ્થા
રેસકોર્સ ખાતેના લોકમેળમાં વીજ પુરવઠો પર્યાપ્ત માત્રામાં જળવાઈ રહે તે માટે પીજીવીસીએલનું તંત્ર સજ્જ બની રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. રેસકોર્સ ખાતેના મેદાનમાં ઊભા કરાયેલા જુદા-જુદા ત્રણ ફિડરમાંથી 18 કનેક્શનની લોકમેળા અમલીકરણ સમિતિએ માંગ કરી હતી. જેને રીલીઝ કરી દેવામાં આવી છે. લોકમેળામાં વીજ ફોલ્ટ ઊભો થવાની શક્યતા જ નથી તેવો દાવો વીજ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે અને આ અંગે સિટી સર્કલ કે. બી. શાહે જણાવ્યું હતું કે, રેસકોર્સ મેદાનમાં બેક પાવર સિસ્ટમ એટલે કે એક ફિડરમાંથી બીજા ફિડરમાં લાઇન આપી વીજ પુરવઠો સતત શરૂ રહે તેવી વ્યવથ કરવામાં આવી છે.
