આજે કસ્તુરબા ધામ-ત્રંબા ખાતે એક લાખ મહિલાઓ ઉજવશે ઋષિ પાંચમ
મહાદેવના પોઠિયા'ની માફક
ત્રણ વખત ન્હાવું, એક વખત ખાવું’ની પરંપરા નિભાવાશે
જેની સ્થાપના પાંડવોએ કરી છે તે ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે ફરાળ-રાસગરબા-લોકમેળો-સાંસ્કૃતિક કાર્યક્રમોની આખો દિવસ બોલશે રમઝટ
વહેલી સવારથી જ મહિલાઓ ઉમટી પડશે: હર…હર…મહાદેવનો ગગનચૂંબી નાદ ગુંજશે: ભાવિકો ઘૂઘવશે ભક્તિનો સાગર
સ્નાન કર્યા બાદ સાગમટે ફરાળ લેશે: સથવારો ફાઉન્ડેશન-ત્રંબકેશ્વર યુવા ગ્રુપ દ્વારા કરાયેલી જાજરમાન તૈયારી
હિન્દુ ધર્મમાં જેનો અનેરો મહિમા અને મહાત્મ્ય છે તેવી ઋષિ પાંચમ કે જે દરેક મહિલાઓ માટે અત્યંત ખાસ ગણાય છે તેની ઉજવણી આજે રાજકોટ, સૌરાષ્ટ્ર-ગુજરાત જ નહીં બલ્કે દેશભરમાં થશે. રાજકોટની વાત કરવામાં આવે તો શહેરની ભાગોળે ત્રંબા ખાતે આવેલા કસ્તુરબા ધામ ખાતે એક લાખથી વધુ મહિલાઓ આ પર્વની ઉજવણી કરી ભોળાનાથની ભક્તિમાં લીન બનશે સાથે સાથે મહાદેવના `પોઠિયા’ની માફક ત્રણ વખત ન્હાવું અને એક વખત ખાવુંની પરંપરા નીભાવશે મતલબ કે મહિલાઓ દ્વારા આજે ત્રિવેણી સંગમ ખાતે ત્રણ વખત સ્નાન અને એક વખત ફરાળ આરોગવામાં આવશે.
પાંડવોએ જેની સ્થાપના કરી હતી તે ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે એક લાખથી વધુ મહિલાઓ ઉમટી પડશે અને આ તહેવાર ઉજવશે. આ ઉજવણીમાં માત્રને માત્ર મહિલાઓ જ સામેલ થશે. અહીં ત્રણ નદીનો સંગમ થઈ રહ્યો હોય તેમાં સ્નાન કરવાની વર્ષોથી પરંપરા ચાલી આવે છે. આ ઉપરાંત અહીં વહેલી સવારથી જ ભાવિકો રાજકોટ ઉપરાંત આજુબાજુના ગામોમાંથી ઉમટી પડશે. સવારથી જ અહીં ભક્તિનું પર્વ શરૂ થઈને મોડી સાંજ સુધી ચાલે છે. ખાસ કરીને અહીં ઋષિ પંચમીના મેળાનું અનેરું આકર્ષણ હોય છે જેમાં લોક સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ-ગરબાની રમઝટ આખો દિવસ બોલતી જ રહે છે. આ ઉપરાંત મહિલાઓ અહીં જ ફરાળ પણ કરે છે જેમાં સામો, ખીચડી, બટેટાનું શાક, મરચા, ચેવડો સહિતની વાનગી સામેલ હોય છે. આ ઉપરાંત ત્રિવેણી નદીમાં ત્રણ વખત સ્નાન પણ કરે છે.
છેલ્લા ૨૦ વર્ષથી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયાજેન કરતાં ત્રંબકેશ્વર યુવા ગ્રુપ દ્વારા ભાવિકો માટે ચા-પાણી-નાસ્તો-સરબત સહિતની વ્યવસ્થા કરવામાં આવે છે. જ્યારે સથવારો ફાઉન્ડેશનના પ્રમુખ કેતનભાઈ પટેલ દ્વારા ફરાળની અલાયદી સગવડ કરવામાં આવી રહી છે જે પરંપરા આ વર્ષે પણ જાળવી રાખવામાં આવી છે. એકંદરે વહેલી સવારથી જ કાર્યકરો ભાવિકોની સરભરા માટે તૈનાત થઈ જાય છે. અહીં આવનારા તમામ લોકો ફરાળનો લાભ લે છે. અહીં સરકાર દ્વારા અંદાજે પાંચ કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ સુવિધાઓ પણ વિકસાવાઈ છે જેમાં પાર્ટીપ્લોટ ઉપરાંત મૃત્યુ બાદ કરવામાં આવતાં ક્રિયાકર્મ માટે ઘાટ બનાવવા સહિતની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવે છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રંબકેશ્વર યુવા ગ્રુપના રતિભાઈ ત્રાપસીયા, મનુભાઈ ત્રાપસીયા, ચંદુભાઈ ત્રાપસીયા તેમજ સમગ્ર ત્રંબાના ગ્રામજનો જહેમત ઉઠાવી રહ્યા છે.
મહિલાઓ માટે કેમ ખાસ હોય છે ઋષિ પાંચમનું વ્રત ?
ધાર્મિક માન્યતાઓ પ્રમાણે માસિક ધર્મમાં મહિલાઓ દ્વારા ધર્મ-કર્મના કાર્યોને વર્જિત (નિષેધ) માનવામાં આવ્યા છે. કહેવાય છે કે માસિક ધર્મ દરમિયાન જાણતા-અજાણતા કરવામાં આવેલા ધાર્મિક કાર્યોથી રજસ્વલા દોષ લાગે છે. રજસ્વલા દોષમાંથી છૂટકારો મેળવવા માટે મહિલાઓ માટે ઋષિ પાંચમનું વ્રત કરવું અત્યંત શુભ માનવામાં આવે છે.
૪૦ ગુણી બટેટા, ૪૦ ગુણી સામો, ૨૦ પેટી ટમેટા, ૧૦૦ ગુણી મરચા, ૬૦૦ કિલો ફરાળી ચેવડાનો થશે ઉપાડ
પર્વ નિમિત્તે કસ્તુરબા ધામ-ત્રંબા ખાતે ભાવિકોને ફરાળ કરાવવા માટે સથવારો ફાઉન્ડેશન દ્વારા અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. એકંદરે વહેલી સવારથી લઈ મોડી સાંજ સુધી ૪૦ ગુણી બટેટા, ૪૦ ગુણી સામો, ૨૦ પેટી ટમેટા, ૧૦૦ ગુણી મરચાથી વિવિધ ફરાળી વાનગી બનાવવામાં આવશે. આ ઉપરાંત ૬૦૦ કિલો જેટલા ફરાળી ચેવડાનો પણ ઉપાડ થશે.