આજે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ: ગત વર્ષે 165 બાળકોને બાળ મજૂરીમાંથી કરાયા મુક્ત
બાળ મજૂરી નાબૂદી માટે કાર્ય કરે છે ટાસ્ક ફોર્સ: બાળ મજૂરોને મુક્ત કરાવી સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું કરાય છે કામ

આજે તા.12 જૂનને વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજ્યમાં બાળ મજૂરી અટકાવવા માટે સરકાર દ્વારા અનેક કાયદા અમલમાં મૂકવામાં આવ્યા છે. શ્રમ અને રોજગાર, ગૃહ વિભાગ, શિક્ષણ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકોનું પુનવર્સન કરવામાં આવે છે. બાળ મુજર પ્રતિબંધ અને નિયમન ધાર, 1986 હેઠળ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકો પાસે કામ કરાવવામાં આવે તેને બાળ મજૂર કહેવાય. બાળ મજૂરી એ ગુનો બને છે અને બાળકોને કામે રાખનાર જે તે વ્યક્તિ કે માલિક પણ ગુનેગાર કહેવાય છે.
રાજકોટ સ્થિત શ્રમ અને રોજગાર વિભાગના શ્રમ અધિકારી અંકિત ચંદારાણાએ જણાવ્યું હતું કે, બાળ મજૂરી નાબૂદી અંગે જિલ્લામાં ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે જેના વડા કલેકટર હોય છે. આ ટાસ્ક ફોર્સમાં લેબર ઓફિસર, સમાજ સુરક્ષા, ઇન્ડસ્ટ્રિયલ સેફટી અને હેલ્થ અને એન્ટીહ્યુમન ટ્રાફિકિંગ એમ મુખ્ય ચાર વિભાગના સભ્યો હોય છે. જ્યારે અન્ય વિભાગ પણ સાથે હોય છે. બાળ મજૂરીમાં મુખ્યત્વે 14 વર્ષ કે તેથી નાના બાળકોને કામે રાખી શકાતા નથી. જો તેમની પાસે કામ કરાવવામાં આવતું હોય તો તેને મુક્ત કરાવવામાં આવે છે.
આ ઉપરાંત 14 થી 18 વર્ષના તરુણો કે જેમને કામે રાખી શકાય છે પરંતુ તેમની પાસે માત્ર હળવું કામ કરાવવામાં આવે છે. તેમજ તેમના કામના કલાકો પણ નક્કી હોય છે. ઉપરાંત આવા બાળકોનો અભ્યાસ ન બગડે તે રીતે કામે રાખવામાં આવે છે. મહત્વનું છે કે, વર્ષ 2023માં શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કુલ 165 બાળ અને તરુણ શ્રમિકોને મુક્ત કરાવવામાં આવ્યા હતા. જે બાળકોને બાળ મજૂરી કરતાં મુક્ત કરાવવામાં આવે છે તેમને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ રજૂ કરવામાં આવે છે અને જરૂર જણાય તો સ્પેશયલ બોય્ઝ ફોર હોમમાં મોકલવામાં આવે છે. આવા બાળકોને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવે છે.
દર મહિને કરવામાં આવે છે બે રેઇડ
શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોઈપણ જગ્યાએ બાળ મજૂરી થતી અટકાવવા માટે દર મહિને ટાસ્ક ફોર્સ દ્વારા બે રેઇડ કરવામાં આવે છે. ઉપરાંત સામાન્ય નાગરીક પણ રેઇડ કરી શકે છે. જો તેમની આસપાસ બાળ મજૂરી કરાવવામાં આવતી હોય તો તેઓ પણ જે-તે વિભાગને અથવા તો પોલીસને જાણ કરી શકે છે.
શિક્ષણથી વંચિત બાળકોને સમાજના મુખ્યપ્રવાહ સાથે જોડવાનું કામ કરતું અવ્યાયમ ફાઉન્ડેશન
રાજકોટમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને શિક્ષણથી વંચિત બાળકો અને તેમના માતા-પિતાને શિક્ષણનું મહત્વ સમજાવી અને બાળકોને અભ્યાસ કરાવી સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું કામ કરે છે. આ ફાઉન્ડેશનના મીરા આગ્રાવતે ‘વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા ફાઉન્ડેશન દ્વારા રાજકોટના ગરીબ, ઝુંપડપટ્ટીમાં રહેતા, કચરો વીણતા બાળકોને શિક્ષણનો ખ્યાલ આવે તે માટે બાળકો અને વાલીઓને જાગૃત કરવામાં આવે છે.
ઝુંપડપટ્ટીમાં જઈને બાળકોને ક્કકો, બારાક્ષરી વગેરે જેવુ પાયાનું શિક્ષણ આપી લખતા વાંચતાં શિખડાવવામાં આવે છે. જેથી તેઓ પણ મજૂરી કામ છોડી સારી નોકરી મેળવી શકે. ઉપરાંત આવા બાળકોને સરકારી શાળાઓમાં દાખલ પણ કરાવવામાં આવે છે. સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને અભ્યાસ કરાવવા ઉપરાંત સ્ટેશનરી, કપડાં, ચોપડા સહિતની વસ્તુઓ પણ આપવામાં આવે છે. મીરાબેને લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે, જો આપણે ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને નાની એવી પણ મદદ કરીશું તો આવા બાળકોને મજૂરી કરતાં અટકાવી શકીશું અને સમાજના પ્રવાહ સાથે જોડી શકીશું.
બાળકોને શરૂઆતમાં ગિફ્ટ આપી અભ્યાસ માટે પ્રેરવામાં આવે છે
સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને અભ્યાસ તરફ વાળવા કેટલા મુશ્કેલ છે અને કેવા પ્રકારની મુશ્કેલી આવે છે? તેવા પ્રશ્નના જવાબમાં મીરાબેને જણાવ્યું હતું કે, શરૂઆતમાં બાળકો અભ્યાસ કરવાની ના કહેતા હોય છે. જેથી અમારે આવા બાળકોને ગિફ્ટ આપવી પડે છે, સમજાવવા પડે છે. વાલીઓ પણ સપોર્ટ કરતાં નથી પરંતુ જ્યારે વાલીઓને વિશ્વાસ આવે છે કે, અમે બાળકોના ભવિષ્યને સુધારવા માટે કામ કરી રહ્યા છીએ ત્યારે તેઓ બાળકોને અમારી પાસે અભ્યાસ માટે મોકલે છે.