આજે હનુમાન જન્મોત્સવ: સંકટ મોચનના જન્મના કરાશે વધામણાં
તુમ રક્ષક કાહૂ કો ડરના
હનુમાન મંદિરોમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ, યજ્ઞ, બટુકભોજન, મહા આરતી કરાશે
કળયુગમાં જાગૃત દેવ તરીકે શાસ્ત્રોમાં હનુમાનજી દાદાનો ઉલ્લેખ છે. હનુમાનજીને કળયુગના ભગવાન પણ કહેવામાં આવે છે. તેમનો જન્મ ચૈત્ર મહિનાની પૂનમના દિવસે થયો હતો. દર વર્ષે ચૈત્ર મહિનાની પૂનમના દિવસે હનુમાન જયંતી (જન્મોત્સવ) ઉજવવામાં આવે છે. હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે શહેરની શેરી-ગલ્લીમાં આવેલી હનુમાનજીની દેરીથી લઈને શિખરબધ્ધ મંદિરોને શણગારવામાં આવે છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
આજે હનુમાન જયંતી અને મંગળવાર પણ છે ત્યારે હનુમાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે શહેરના બાલાજી હનુમાનજી મંદિર, ભવનગર રોડ પર આવેલા શ્રી બાલા હનુમાનજી, ગોંડલ રોડ, વિજય પ્લોટ-૧૧માં આવેલા સૂર્યમુખી હનુમાનજી મંદિર, સૂતા હનુમાન, સાત હનુમાન, ચમત્કારિક હનુમાન સહિતના મંદિરોમાં હનુમાન જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.
હનુમાનજીનો જન્મ સૂર્યોદય સમયે થયો હતો. તેથી જ હનુમાનજી સાથે જોડાયેલા બધા અનુષ્ઠાનો સવારથી જ શરૂ થાય છે. હનુમાન જન્મોત્સવ નિમિત્તે બટુકભોજન, મારુતિ યજ્ઞ, સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠ, મહા પ્રસાદ, મહા આરતી સહિતનું શહેરના હનુમાન મંદિરોમાં આયોજનો કરવામાં આવ્યા છે.
સુર્યમુખી હનુમાનજી મંદિર
શહેરના વિજય પ્લોટ-૧૧, ગોંડલ રોડ પર આવેલા સુર્યમુખી હનુમાનજી મંદિરમાં પણ હનુમાન જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. જ્યારે હનુમાન જયંતી નિમિત્તે મંદિર દ્વારા સાંજે ૭ વાગ્યે મહા આરતી તેમજ સાંજે ૭:૩૦ વાગ્યે મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી બાલા હનુમાનજી મંદિર
ભાવનગર રોડ પર પટેલવાડી પાસે આવેલા શ્રી બાલા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે ૬ વાગ્યે મંગળા આરતી, બપોરે ૧૨ વાગ્યે જન્મોત્સવ-ભોગ, સાંજે ૭:૩૦ વાગ્યે સંધ્યા આરતી અને રાત્રે ૧૨:૫ વાગ્યે દીપ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સાંજે ૭:૩૦ વાગ્યે પટેલવાડીમાં બટુકભોજન અને મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
રામેશ્વર મહાદેવ મંદિર
મવડી વિસ્તારમાં વૃંદાવન ચોક, અંકુર વિદ્યાલય મેઇન રોડ પર આવેલા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે બપોરે ૧૨ વાગ્યે મહા આરતી, દીપમાળા જ્યારે સાંજે ૬ વાગ્યે બટુકભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.