આજે 21.12 લાખ મતદારો નક્કી કરશે રૂપાલા – ધાનાણીનું ભાવિ
સુરજ ભલે ગમે તેટલો તપે, ગુજરાતી મતદાન કર્યા વિના ન જપે સૂત્ર વહેતુ કરાયું
રાજકોટ લોકસભા બેઠકમાં આવેલ 7 વિધાનસભા વિસ્તારમાં 20.76 લાખ મતદાર કા૫લીનું વિતરણ કરાયું : સવારે 7થી સાંજે 6 સુધી મતદાન
દોઢ મહિના કરતા વધુ સમયથી મતદારો અને ચૂંટણી લડતા ઉમેદવારો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે તે ઘડી અંતે આજે આવી ચુકી છે, રાજકોટ લોકસભા બેઠક માટે આજે સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 2112273 મતદારો ભાજપના પરસોતમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી સહીત 9 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ કરશે, ખાસ કરી હીટવેવને લઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ભર ઉનાળે યોજાયેલ ચૂંટણી માટે સુરજ ભલે ગમે તેટલો તપે, ગુજરાતી મતદાન કર્યા વિના ન જપે સૂત્ર વહેતુ કર્યું છે સાથે જ મતદારોને મતદાન મથકમાં મોબાઈલ નહીં લઈ જવા સૂચના આપી મતદાન મથકમાં વોટિંગના ફોટો-વિડીયો વાયરલ કરનાર લોકો સામે પગલાં ભરવાના પણ નિર્દેશો આપ્યા હતા.
રાજકોટ સંસદીય મત વિસ્તારના ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટ સંસદીય મત વિસ્તારમાં મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે તંત્ર સજ્જ છે. નાગરિકોને મતદાર યાદીમાં તેનો અનુક્રમાંક જાણવામાં સુગમતા રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફોટા વગરની રાજકોટ જિલ્લામાં કુલ 23,11,199 જેટલી મતદાર માહિતી કાપલીનું 98.09 ટકા કાપલીઓનું વિતરણ કરાયું છે. જેમાં રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ કુલ-7 વિધાનસભા મત વિસ્તારમાં કુલ 20,76,008 જેટલી મતદાર માહિતી કાપલીનું વિતરણ કરવામાં આવ્યું છે. મતદાન માટે નાગરિકો ચૂંટણી કાર્ડ સિવાય પણ માન્ય થયેલા ઓળખના 12 વૈકલ્પિક પુરાવા પૈકી કોઈપણ પુરાવાના આધારે મતદાન કરી શકે છે.
મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઈ રહે, મતદાનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ઊભો ન થાય તથા જાહેર સલામતી જળવાઈ રહે તે માટે મતદાન મથકની અંદર મોબાઈલ ફોન જેવા ઉપકરણો લઈ જવાની મનાઈ છે. મતદાન મથકોમાં મતદાન એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તેમજ સબંધિત મતદાન મથકના નોંધાયેલા મતદારો મોબાઈલ ફોન સાથે તારીખ 7ના રોજ મતદાન મથકમાં પ્રવેશ કરી શકશે નહીં. ચૂંટણી ફરજ સોપાઈ હોય તેવા સરકારી અધિકારી અને કર્મચારીઓ તથા ચૂંટણી અધિકારીએ ખાસ અધિકૃત કરેલા અધિકારીઓ, કર્મચારીઓ કે વ્યક્તિઓને મોબાઈલ જવાની છૂટ અપાઈ છે.
હિટવેવની સંભાવના તેમજ ગરમીને જોતાં તમામ મતદાન મથકો ખાતે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ મતદાન મથકો ખાતે શૌચાલયની વ્યવસ્થા ખાતરી કરવામાં આવી છે. આ સાથે પોલિંગ સ્ટાફ-પોલીસ સ્ટાફના પરિવહન માટે ખાસ 20 એ.સી.બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરેક મતદાન મથકે ઓઆરએસ અને મેડીકલ કિટ આપવામાં આવી છે. સેકટર ઓફિસર સાથે 1 પેરા મેડીકલ સ્ટાફને જરૂરી મેડીસીન સાથે રાખવામાં આવ્યા છે. જે દર કલાકે દરેક પોલીંગ સ્ટેશનનો સંપર્ક કરશે.મતદારોને હિટ વેવની અસરના નિવારણ માટે 862 મતદાન મથકોના 505 મતદાન મથક સ્થળ ખાતે શેડ-શેલ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. વેઈટીંગ એરીયામાં વિધાનસભા મતદાર વિભાગ વાર 20-20 કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે.
મતદારોને મતદારયાદીમાં નામની ચકાસણી માટે જરૂરી માહિતી/માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર 1950 છે અને ટોલ ફ્રી નંબર 1800233032 તેમજ મતદાર યાદીમાં પોતાના નામની વિગતો જાણી શકે તે માટે VOTER HELPLINE APPLICATION (VHA) ડેવલપ કરવામાં આવી છે. જે એપ્લીકેશન GOOGLE PLAY STORE ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જેમાં પણ મતદારને તેની વિગતો મળી શકશે. રાજકોટ સંસદીય મત વિસ્તારમાં 2036 મતદાન મથકો છે. જ્યારે 10,93,626 પુરુષ મતદારો તથા 10,18,611 મહિલા મતદારો તેમજ અન્ય 36 મળીને 21,12,273 મતદારો નોંધાયેલ છે.
1120 મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ
રાજકોટ લોકસભાના 2036 મતદાન મથકોમાંથી 1120 મતદાન મથકો પર સીસીટીવીથી વેબ કાસ્ટિંગ કરવામાં આવશે. જિલ્લામાં 2036 મતદાન મથકોમાં 2542 બી.યુ. 2542 કંટ્રોલ યુનિટ તેમજ 2745 વીવીપેટ ફાળવવામાં આવ્યા છે. મતદાન માટે જિલ્લામાં 2296 પ્રિસાઈડિંગ ઓફિસર, 2296 પોલિંગ ઓફિસર-1 અને 3708 એફ.પી.ઓ.ની નિમણૂક કરવામાં આવી છે.
25 હજાર ગુન્હેગારો સામે અટકાયતી પગલાં
છેલ્લા દોઢ મહિનામાં શહેર પોલીસ દ્વારા ગુનાહીત ઇતિહાસ ઘરાવતા 10 હજારથી વધુ લોકો અને ગ્રામ્ય પોલીસ દ્વારા 15,500થી વધુ લોકો સામેઅટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. તડીપાર અને પાસાના ગુનામાં નોંધાયેલા ગુનેગારોને પણ જેલ ભેગા કરવામાં આવ્યા છે. સંવેદનશીલ બુથ પર પોલીસ સ્ટાફની સાથોસાથ પેરામીલેટરી ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.
6000 પોલીસ અને 12 પેરામિલ્ટ્રી ફોર્સ કંપની
રાજકોટ લોકસભા બેઠકમા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તેમજ સંવેદનશીલ બુથની સુરક્ષા વ્યવસ્થા માટે રાજકોટ સિટીમાં 3000 પોલીસ ફોર્સ 600 હોમગાર્ડના જવાન અને ચાર સી.આર.પી.એફ કંપની ડિપ્લોય કરવામાં આવી છે. એવી જ રીતે ગ્રામ્ય વિસ્તાર માટે 3000 પોલીસ ફોર્સ અને 8 સી.આર.પી.એફની કંપનીઓ ડિપ્લોય કરવામાં આવી છે. સાથે જ શહેર અને જિલ્લામાં મતદાનની છેલ્લી ઘડી સુધી ચેકપોસ્ટ ઉપર ચેકીંગ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હોવાનું પોલીસ કમિશનર ભાર્ગવ અને જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોરે જણાવ્યું હતું.