પોલીસથી બચવા પોલીસને જ અરજી કરી
મારમારીનો ગુનો નોંધાતા જયંતી સરધારાએ
પીઆઇ પાદરીયાએ મને જાનથી મારી નાખવાની પુરેપુરી તૈયારી કરી છે,હવે મારા જીવનું જોખમ છે : જ્યંતી સરધારા
લેખિતમાં અરજી લખી ડીજીપી પાસે પોલીસ રક્ષણ માટેની માંગણી કરી : હત્યાની કોશિશની કલમ દૂર કરવા માટે પાદરીયાની પોલીસે જ મદદ કરી હોવાના આક્ષેપો કર્યા
રાજકોટ શહેરના ભાજપ અગ્રણી તથા સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા અને ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઈ સંજય પાદરીયા વચ્ચેનો મામલો વધુ ગરમાયો છે. સરધારાએ પ્રથમ ફરિયાદ નોધાવતા પલટવાર કરી પીઆઇ પાદરીયાએ સરધારા વિરુધ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હવે સરધારાએ પીઆઈ પાદરીયાથી પોતાના જીવનું જોખમ છે. તેવી લેખિતમાં અરજી લખીને ડીજીપી પાસે પોલીસ રક્ષણ માટેની માંગણી કરી હતી.
શહેરમાં કણકોટ રોડ પરના પાર્ટી પ્લોટમાં ગત તા.૨૫ના રોજ સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા અને ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઈ સંજય પાદરીયા વચ્ચે થયેલી માથાકુટમાં પ્રથમ ફરિયાદ જે તે સમયે સરધારાએ નોંધાવી હતી, જેમાં આરોપી સંજય પાદરીયા વિરુદ્ધ હત્યાની કોશીશની કલમો હળવી થતાં તેઓ તાલુકા પોલીસ સમક્ષ હાજર થયા હતા.અને બાદમાં તેને સરધારા સામે મારામારી અને ધમકી આપ્યા હોવાની કલમ હેઠળ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. આ ફરિયાદ પર તાલુકા પોલીસ સરધારા સામે કાયદાકીય કાર્યવાહી કરે તે પૂર્વે જ જયંતી સરધારા પોલીસ કમિશનર કચેરીએ આવ્યા હતા. અને તેમણે ડીજીપીને સંબોધીને એક આવેદન પત્ર રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.સરધારાએ લખેલા પત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, જે તે સમયે પાદરીયાએ પોતે ગાડીમાંથી ઉતરતા હતા ત્યારે બંદુક વડે માથામાં ઇજા કરી હતી અને નીચે પડી જતાં ઢીકાપાટુનો માર માર્યો હતો. જે બનાવમાં પાદરીયા સામે ફરિયાદ નોંધાવી હતી.
પીઆઇ પાદરીયાએ કાઉન્ટર બ્લાસ્ટ રૂપે ખોટી રીતે દબાણ લાવવાના હેતુથી તાલુકા પોલીસ મથકમાં બનાવના ૯ દિવસ બાદ પોતાના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જેથી પોતે પોલીસ અધિકારી હોવાનો દુરુપયોગ કર્યાનું સ્પષ્ટ દેખાય છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે, સંજય પાદરીયાએ મને જાનથી મારી નાખવાની પુરેપુરી તૈયારી કરી લીધી છે. કોઈપણ સંજોગોમાં જીવતા નહી રહેવા દે જેથી આ માથાભારે સંજય પાદરીયા સામે જીવનું પુરેપુરૂ જોખમ છે અને દહેસતમાં જીવી રહ્યા છીએ જેથી તાત્કાલીક પોલીસ રક્ષણ આપવામાં આવે. પાદરીયા અને તેના મળતીયાઓ દ્રારા સમાજના અન્ય આગેવાનો પર ખોટી રીતે દબાણ લાવીને હેરાન કરેલ છે. સમાજના લોકોને ખોટી રીતે બદનામ કરી સામાજીક પ્રવૃત્તિમાંથી નિવૃત્ત કરી મુકવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. સરધારા દ્રારા આ રજૂઆતની નકલ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પ્રધાન મંત્રી સુધી રવાના કરવામાં આવી છે.જેથી હવે જ્યંતી સરધારા પોલીસની રક્ષણ મેળવવા માટે પોતે જ પોલીસ પાસે આવ્યો હોવાનું સ્પષ્ટ સામે આવી રહ્યું છે.