`ટેરિફિક’ ટ્રાફિક સંભાળીને કંટાળેલા જવાનોએ માંગી સામૂહિક બદલી!
એડિશનલ CPએ કહી `ના’
ટ્રાફિક ઉપરાંત અલગ-અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતાં
૬૬ ASI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલની બદલીની માંગ `નામંજૂર’
એકલી ટ્રાફિક શાખામાંથી ૨૦ ASI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલે માંગી’તી બદલી
હવે ત્રણ મહિના સુધી બદલી માટે અરજી ન કરવા પણ સ્પષ્ટ ટકોર: સ્ટાફમાં કચવાટ
રાજકોટની ટ્રાફિક સમસ્યા ક્યારેય ઉકેલાઈ નથી અને સંભવત: ક્યારેય તેનો ઉકેલ આવી શકે તેવી કોઈ સ્થિતિ પણ જોવા મળી રહી નથી. જો કે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે દરેક પોઈન્ટ ઉપર પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે. દિવસેને દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યાને કારણે જે જવાનની બદલી ટ્રાફિક શાખામાં થાય એટલે તેને તે સજા ગણવા લાગ્યા હોવાનો ગણગણાટ પણ પોલીસ બેડામાં દરરોજ સાંભળવા મળતો જ હોય છે. એકંદરે રાજકોટની ટ્રાફિક સમસ્યા એકદમ ટેરિફિક' મતલબ કે માથાના દુ:ખાવા સમાન બની ગઈ હોય ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં સ્ટાફ માટે કપરાં ચઢાણ બની જવા પામ્યા છે.
આ બધાની વચ્ચે ટ્રાફિક સંભાળી સંભાળીને કંટાળી ગયેલા જવાનોએ સામૂહિક બદલીઓ માંગી હતી પરંતુ અધિક પોલીસ કમિશનર દ્વારા કલમના એક ઝાટકે આ માંગણી ફગાવી દેવામાં આવી હોવાની વિગતો જાણવા મળી રહી છે. શહેરના અલગ-અલગ પોલીસ મથક જેમાં ગાંધીગ્રામ-૨ (યુનિ.), તાલુકા, માલવિયાનગર, આજીડેમ, થોરાળા, બી-ડિવિઝન, પ્ર.નગર, હેડ ક્વાર્ટર, સાયબર ક્રાઈમ, સ્પેશ્યલ બ્રાન્ચ, ટ્રાફિક, એ-ડિવિઝન, એસસી-એસટી સેલ, પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ સહિતના મળી ૬૬ કર્મીઓએ વિવિધ કારણો આગળ ધરી આંતરિક બદલી કરવા માટે અરજીઓ સહિતની પ્રક્રિયા કરી હતી. આ અરજીઓ છેલ્લા ઘણા સમય પહેલાં કરવામાં આવી હતી અને અધિકારીઓ દ્વારા બદલી માટે ઈચ્છુક કર્મીઓને રૂબરૂ સાંભળવામાં પણ આવ્યા હતા. આ અંગે ગહન વિચાર-વિમર્શ કર્યા બાદ આખરે અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા દ્વારા તમામની બદલીઓની માંગણી
નામંજૂર’ કરી દેવામાં આવી છે.
આ બધામાં આશ્ચર્યની વાત એ છે કે ૬૬ કર્મીઓમાં સૌથી વધુ ૨૦ કર્મી ટ્રાફિક શાખાના છે જેમણે પોતાની બદલી કરવા માટે અરજી કરી હતી જેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. આ અરજી કરનારામાં એક એએસઆઈ, ૭ હેડ કોન્સ્ટેબલ અને ૧૨ કોન્સ્ટેબલ સામેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ સાથે જ બદલીઓ નામંજૂર કર્યા બાદ એવી ટકોર પણ કરવામાં આવી છે કે હવે આ પૈકીના એક પણ ત્રણ મહિના સુધી બદલી અંગે ફરીથી અરજી કરી શકશે નહીં આમ છતાં જો અરજી કરવામાં આવશે તો તેના ઉપર કોઈ પ્રકારની વિચારણા કર્યા વગર તેને ફાઈલ કરી દેવામાં આવશે ! એકંદરે બદલીની માંગ એક ઝાટકે ફગાવી દેવામાં આવતાં સ્ટાફમાં કચવાટ પણ જોવા મળી રહ્યો છે પરંતુ પોલીસ ડિસિપ્લીન ફોર્સ ગણાતી હોવાથી કોઈ અત્યારે ખૂલીને વિરોધ કરવાની સ્થિતિમાં નથી. જો કે બદલી નામંજૂર થયા બાદ અમુકે પોતાની રીતે રાજકીય સહિતના `છેડા’ અડાડવાનું શરૂ કર્યાની વાત પણ વહેતી થવા પામી છે.
અમુકે પારિવારિક, અમુકે રહેઠાણના ઝોનનું કારણ આગળ ધર્યું તો અમુકે બ્રાન્ચ માંગી’તી!
એવી ચર્ચા પણ શરૂ થવા પામી છે કે ૬૬ કર્મીઓ કે જેમની બદલીની માંગ ફગાવી દેવામાં આવી છે તે પૈકીના અમુકે પારિવારિક કારણોસર બદલી કરવા માટે કહ્યું હતું તો અમુકે તેઓ જે વિસ્તારમાં રહેતા હોય તે ઝોન હેઠળના પોલીસ મથકમાં પોતાને મુકવા માટે અરજી કરી હતી. આ જ રીતે અમુક સ્ટાફ અત્યંત કાબેલ' હોવાથી તેમને સાયબર ક્રાઈમ, એસઓજી અથવા તો ક્રાઈમ બ્રાન્ચ સહિતની મહત્ત્વની બ્રાન્ચમાં મુકવા માટે કહ્યું હતું. આ માટે
કામગીરી’ પણ રજૂ કરાઈ હતી પરંતુ ત્રણ મહિના પૂરતી તમામની આ માંગ ફગાવી દેવામાં આવી છે.