તિરંગા યાત્રા ભાજપનો કાર્યક્રમ નથી, બીજાના ખભે બંદૂક રાખી ફોડવાનું કામ કોંગ્રેસનું: બોઘરા
આ યાત્રા દેશભક્તિને ઉજાગર કરવા માટે છે: રાજકીય લાભ ખાટવા માટે યાત્રાઓ કાઢવી એ તો કોંગ્રેસની જૂની આદત છે
આજે રાજકોટના બહુમાળી ચોકથી જ્યુબિલી સુધી તિરંગા યાત્રા નીકળવાની છે તે પૂર્વે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ.ભરત બોઘરાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું કે તિરંગા યાત્રા એ ભાજપનો કાર્યક્રમ નથી. આ યાત્રા દેશભક્તિને ઉજાગર કરવા માટે યોજાઈ રહી છે. લોકોના ખભે બંદૂક રાખી તેને ફોડવાનું કામ કોંગ્રેસનું છે. કોંગ્રેસ અત્યારે રાજકીય લાભ ખાટવા માટે યાત્રા કાઢી રહી છે અને આ તો તેની જૂની આદત છે.
ડૉ.બોઘરાએ કહ્યું કે આ પ્રકારની યાત્રા દર વર્ષે યોજાઈ રહી છે તે સિલસિલામાં આ વર્ષે પણ યોજાશે. આમાં ભાજપ દ્વારા કોઈ પ્રકારનો રાજકીય જશ મેળવવાનો ઈરાદો નથી. આ યાત્રા રાજકીય પક્ષ પ્રેરિત નથી.
શું ટીઆરપી અગ્નિકાંડને કારણે લોકોમાં ભભૂકી ઉઠેલા રોષને ઠારવા માટે રાજકોટથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે ? આ સવાલનો જવાબ આપતાં ડૉ.બોઘરાએ કહ્યું કે આ પ્રકારની કોઈ જ વાત નથી કેમ કે રાજકોટની એક આગવી ઓળખ છે ત્યારે આવનારા દિવસોમાં અન્ય શહેરોમાં પણ આ પ્રકારની યાત્રા નીકળવાની જ છે.