પોરબંદર અને ઓખાથી ઊપડતી ત્રણ સાપ્તાહિક ટ્રેન હવે વાંકાનેર ઊભી રહેશે
સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય જીતુભાઈ સોમણી સહિતના મહેમાનોએ ટ્રેનનું સ્વાગત કર્યું
મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ત્રણ સાપ્તાહિક ટ્રેનોને વાંકાનેર સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યા છે. જેમાં દર શુક્રવારે ઊપડતી ટ્રેન નંબર 12949 પોરબંદર – સાંતરાગાચિ કવિગુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ વાંકાનેર સ્ટેશને બોપોરે 01.58 કલાકે આવશે અને 2.00 કલાકે ઉપડશે. તેમજ દર રવિવારે ચાલતી ટ્રેન નં. 22905 ઓખા-શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ વાંકાનેર સ્ટેશને બપોરે 1.58 કલાકે આવશે અને 2.00 કલાકે ઉપડશે.ઉપરાંત બુધવાર અને ગુરુવારે ચાલતી ટ્રેન નં. 12905 પોરબંદર – શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ વાંકાનેર સ્ટેશને બપોરે 1.58 કલાકે આવશે અને 2.00 કલાકે ઉપડશે. આ ત્રણેય ટ્રેનોના સ્ટોપેજનું ઉદ્ઘાટન વાંકાનેરના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય જીતુભાઈ સોમણી, મોહનભાઈ કુંડારિયા સહિતના મહેમાનોની હાજરીમાં વાંકાનેર સ્ટેશન ઉપર કરવામાં આવ્યું હતું.
ગાંધીગ્રામ-ઓખા હોળી સ્પેશિયલ ટ્રેન વચ્ચે દોડશે
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે અમદાવાદ-ઓખા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન (09435/09436)નું ટર્મિનલ અમદાવાદ સ્ટેશનને બદલે કાલુપુર રેલવે સ્ટેશન નજીક આવેલ ગાંધીગ્રામ સ્ટેશન પર ખસેડવામાં આવ્યું છે. આ ટ્રેનના રૂટ, સ્ટોપેજ અને સમયમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. હવે આ સ્પેશિયલ ટ્રેન બદલાયેલા રૂટ ગાંધીગ્રામ-બોટાદ-સુરેન્દ્રનગર જંકશન-રાજકોટ-દ્વારકા-ઓખા થઈને દોડશે. આ ટ્રેન રૂટમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, સુરેન્દ્રનગર જંકશન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે. હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને રેલ્વે પ્રશાસને આ ટ્રેનને માર્ચ મહિનામાં દ્વિ-સાપ્તાહિક અને ત્યારબાદ એપ્રિલ મહિનાથી સાપ્તાહિક ચલાવવાનો નિર્ણય લીધો છે.