ખીરસરામાં સ્મશાન ગૃહનો સ્લેબ ધરાશાયી થતાં ત્રણ દટાયા આધેડનું મોત જુઓ …
ખીરસરામાં સ્મશાન ગૃહનો સ્લેબ ધરાશાયી થતાં ત્રણ દટાયા આધેડનું મોત
જર્જરિત સ્લેબ પાડીને પતરાં ફિટ કરવાના કામ વખતે બનેલો બનાવ
લોધિકાના ખીરસરા ગામે અગ્નિ દાહ આપવાના સ્મશાન ગૃહ નો સ્લેબ અચાનક ધરાશાયી થતાં આડેધનું મોત થયું હતું જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે. લોધિકા તાલુકાના ખીરસરા ગામે બનેલી આ ઘટનાથી ગ્રામજનોમાં શોક વ્યાપી ગયો હતો.
ખીરસરા ગામે અગ્નિ દાહ આપવાના જુના સ્મશાન ગૃહનો સ્લેબ ધરાશાયી થતાં ત્યાં ઉભેલા ખીરસરા ગામના દિનેશભાઇ મનજીભાઈ વાગડીયા (ઉ.વ.45) નું ધટના સ્થળે મોત થયું હતું તેમજ હસુભાઈ બાલાભાઈ વાગડીયા અને રવિ ધીરૂભાઇ મકવાણાને ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખીરસરા ગામના સરપંચ સહિતના લોકો ઘટનાની જાણ થતાં ખીરસરા સ્મશાન ખાતે દોડી ગયા હતા. મૃતક દિનેશભાઈ સહિતના 6 થી 7 લોકો સ્મશાનમાં સેવકાર્યો કરવા આવતા હતા. જેમાં સફાઈ, લાકડા ગોઠવવા સહિતની જુદી જુદી કામગીરી કરવામાં આવતી હોય છે. સ્મશાનગૃહનો સ્લેબ જર્જરિત હોવાથી તેને પાડીને પતરાં ફિટ કરવાનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન અચાનક સ્લેબ ધરાશાયી થતાં 45 વર્ષીય દિનેશભાઈ નીચે દટાઈ ગયા હતા અને તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિ હસુભાઈ અને રવિભાઈ પર પણ સ્લેબનો કાટમાળ પડતા બંનેને ઇજા થઇ હતી. ખીરસરા ગામના સ્મશાનગૃહમાં આવેલા અગ્નિદાહ આપવાના જુના ગૃહમાં આ દુર્ઘટના બની હતી. જેને લઈ ખીરસરા અને આસપાસનાં ગ્રામજનોમાં ભારે દુઃખની લાગણી ફરી વળી છે. આ મામલે લોધિકા પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.