પોલીસ કમિશનરના નામે હોટેલ-રેસ્ટોરન્ટમાં ધમકીભર્યા ફોન
પોતે કમિશનર ઑફ પોલીસ નીરજ દિક્ષીત બોલે છે તેમ કહી *****૬૮૧૯૭ નંબર પરથી ફોન કર્યા
ઘણી જગ્યાએ અધિકારીના નામે ફોન કરીને ફેવર માંગી
કોઈને FASSIનો મુંબઈનો અધિકારી હોવાનું પણ કહ્યું !
જેમ જેમ ટેક્નોલોજીનો ઉપયોગ વધતો જઈ રહ્યો છે તેમ તેમ લોકોનું ઘણુંખરું કામ સુગમ બની ગયું છે. જો કે દરેક વસ્તુનો જેમ ફાયદો હોય છે તેમ ગેરફાયદો પણ એટલો જ રહેતો હોય છે. આવું જ કંઈક છેલ્લા ઘણા સમયથી રાજકોટ સહિત ગુજરાતમાં ચાલી રહ્યું છે. જાણે કે એક ટે્રન્ડ શરૂ થયો હોય તેવી રીતે પોલીસ સહિતના વિભાગોના અધિકારીઓના નામે લોકોને ડરાવી-ધમકાવી પૈસા પડાવવા અથવા તો બીજી કોઈ રીતે ખીસ્સા ભરવાનો ખેલ શરૂ થઈ ચૂક્યો છે. બીજી બાજુ અચાનક જ આવી ગયેલા ફોનને કારણે ઘણાખરા લોકો કશું સમજી-વિચારી શકતા ન હોવાને કારણે તેનો લાભ આવા તત્ત્વો લઈ રહ્યા છે. આવું જ કંઈક રાજકોટના હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકો સાથે બની રહ્યું છે. સંચાલકોને પોલીસ કમિશનરના નામે ધમકીભર્યા ફોન કરવાનું શરૂ કરવામાં આવ્યું હોય ગજબનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે શહેરની એક પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટ પર બપોરના સમયે એક ફોન આવ્યો હતો. સામે છેડેથી `પોતે કમિશનર ઑફ પોલીસ નીરજ દિક્ષીત વાત કરી રહ્યો છે અને તાત્કાલિક માલિકને કહો મને ફોન કરે’ આવું કહેતાં જ ફોન પર વાત કરનાર વ્યક્તિએ તુરંત પોતાના માલિકને આ અંગે જાણ કરી હતી. આ પછી માલિકે તપાસ કરતાં અન્ય હોટેલ-રેસ્ટોરન્ટ ઉપર પણ આ રીતે ફોન ગયા હોવાનું ધ્યાન પર આવતાં તેમણે સૌને સચેત કરી દીધા હતા.
પોલીસ કમિશનરના નામે ફોન કરનાર નીરજ દિક્ષીત નામની વ્યક્તિએ *****૬૮૧૯૭ નંબર ઉપરથી ફોન કર્યા હતા અને તેણે ઘણી જગ્યાએ પોલીસ અધિકારી બનીને ફોન કર્યા બાદ ફેવર પણ માંગી હતી. વળી, અમુક જગ્યાએ તો તેણે પોતાની ઓળખ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ (એફએએસએસઆઈ)નો મુંબઈનો અધિકારી બોલતો હોવાની શેખી પણ હાંકી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં બે દિવસ પહેલાં જ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)નો નકલી અધિકારી બનીને અધિકારીઓને દોડાવ્યા હતા સાથે સાથે હોટેલનું બિલ સહિતનું ચૂકવણું પણ કરાવ્યું હતું. જો કે આ મામલે કંઈક ખોટું થઈ રહ્યાની જાણ થતાં જ એક સાવચેત હોટેલ સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવતાં આખરે આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.