સરકાર માઇ બાપ આટલુ તો વિચારો: એક મશીનના વાંકે કેન્સરના હજારો દર્દીઓને અમદાવાદ સુધી રઝળપાટ
એઈમ્સ મળી, અનેક મલ્ટી-સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ હોવાની `મોટાઈ’ વચ્ચે વરવી વાસ્તવિક્તા
દર્દીઓને કયા અંગમાં કેટલું કેન્સર છે તે સહિતનું નિદાન કરી આપતું પેટ સીટીસ્કેન' મશીન રાજકોટમાં એક જ (પ્રાઈવેટ) લેબોરેટરીમાં અને તે પણ ૨૫૦૦૦ના ખર્ચે કરતું હોવાથી ગરીબ દર્દીઓની
દારૂણ’ સ્થિતિ
રાજકોટમાં આમ તો અનેક મલ્ટી-સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ કાર્યરત છે. સિવિલ હોસ્પિટલ પણ સુપર સ્પેશ્યાલિટી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. (જો કે હજુ સુધી સુપર સ્પેશ્યાલિટીની વ્યાખ્યામાં આવી શકી નથી !) સોનામાં સુગંધ ભળી હોય તેમ રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે. (શરૂ ક્યારે થશે તેની ચોક્કસ તારીખ કહી શકવાની સ્થિતિમાં કોઈ નથી !) એકંદરે મેડિકલ ક્ષેત્રે રાજકોટ હરણફાળ ભરી રહ્યું છે તેવો દાવો સરકારથી લઈ ટોચના તબીબો કરી રહ્યા છે પરંતુ આ દાવાની હવા નીકળી રહી હોય તેવી રીતે એક વરવી વાસ્તવિક્તા બહાર આવી ગઈ છે જેના પર દરેકે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. રાજકોટમાં કેન્સરના દર્દીઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે કયા દર્દીને કયા અંગમાં કેન્સર છે તેનું નિદાન કરી આપતું પેટ સીટી સ્કેન' મશીન જ રાજકોટમાં એક જગ્યા સિવાય બીજે ક્યાંય ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને છેક અમદાવાદ અને વડોદરા સુધી લાંબુ થવું પડી રહ્યું છે ! વધુમાં જાણવા મળેલી વિગતો પ્રમાણે શહેરમાં કેન્સરથી પુરુષ-મહિલા સહિત હજારો દર્દીઓ પીડાઈ રહ્યા છે. આ દર્દીઓને કયા અંગમાં કેટલું કેન્સર છે, શરીરમાં ક્યાં ક્યાં ફેલાઈ ગયું છે, કયા અંગને વધુ ડેમેજ કરી રહ્યું છે અથવા કરી શકે છે તે સહિતના નિદાન માટે
પેટ સીટી સ્કેન’ નામની એક મશીન હોય છે જેમાં તેનો સચોટ રિપોર્ટ કાઢી શકાય છે. જો કે રાજકોટમાં રાહતદરે કે વિનામૂલ્યે આ રિપોર્ટ કોઈ જ જગ્યા થઈ રહ્યા નથી. રાજકોટમાં અત્યારે કેકેવી સર્કલ-૧૫૦ ફૂટ રોડ પર પાર્થ લેબોરેટરીમાં આ રિપોર્ટ થઈ રહ્યો છે પરંતુ તેના માટે દર્દીઓએ ૨૫,૦૦૦ રૂપિયાનો તોતિંગ ખર્ચ કરવો પડે છે. મહત્ત્વની વાત એ છે કે રાજકોટની લેબમાં આ રિપોર્ટ માટે દર્દીઓનું લાં…બું વેઈટિંગ હોવાથી વારો આવતાં આવતાં ચાર દિવસ લાગી જાય છે. આ પહેલાં દર્દીએ પાંચ હજાર રૂપિયા ડિપોઝિટ ભરપાઈ કરવી પડતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જો આ રિપોર્ટ સસ્તામાં કરાવવો હોય તો દર્દીએ છેક અમદાવાદ કે વડોદરા સુધી જવું પડે છે જ્યાં આ રિપોર્ટ ૧૫,૦૦૦ રૂપિયામાં થઈ જાય છે. હવે સરકાર દ્વારા દર્દીઓના હિતમાં વિચાર કરી આ મશીન મુકવામાં આવે તેવો સમય પાકી હોવાનું ચિત્કાર સાથે દર્દીઓ કહી રહ્યા છે.
મન હોય તો માળવે જવાય: સરકાર એક ઝાટકે સિવિલ કે કેન્સર હોસ્પિટલમાં મશીન મુકી શકે
ગીતાબેન જીજ્ઞેશભાઈ રાઠોડ (ઉ.વ.૪૩) નામના કેન્સરપીડિત દર્દીએ `વૉઈસ ઑફ ડે’ સમક્ષ હૈયાવરાળ ઠાલવતાં કહ્યું કે આજના મોંઘવારીના સમયમાં ગરીબ દર્દી ૨૫,૦૦૦ રૂપિયા ખર્ચીને રિપોર્ટ કરાવે તો તેને ન પરવડે તે સમજી શકાય તેવી વાત છે. આ મુદ્દાને ધ્યાનમાં લઈ સરકારે ગંભીર બનવાની જરૂર છે કેમ કે સરકાર ધારે તો એક ઝાટકે સિવિલ અથવા તો કેન્સર હોસ્પિટલમાં આ મશીન મુકી શકે તેમ છે. આ મશીનની જરૂરિયાત એટલા માટે વધારે છે કેમ કે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર આખામાં કેન્સરના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નિષ્ણાંત ડોકટરોના જણાવ્યા પ્રમાણે કેન્સર એવી બિમારી છે જેનુ સમયસર નિદાન થઇ જાય તો તેને આગળ ફેલાતુ અટકાવી શકાય છે. એટલા માટે જો આ મશીન રાજકોટ પાસે ઉપલબ્ધ બની જાય તો ઘણાબધા દર્દીઓને સમયસર રીપોર્ટ મળી શકશે સાથે સાથે તેમના અમદાવાદ અને વડોદરા સુધીના ધકકા પણ બચી જશે. સરકારે કેન્સરના હજારો દર્દીઓના હીતમાં આ નિર્ણય લઇ તાકિદે મશીન મુકવુ જોઇએ જે આજના સમયની પ્રબળ માગ છે.
સવાલ માત્ર ૩ કરોડ રૂપિયાનો છે: શુ સરકાર એટલી પણ સમર્થ નથી ?
દર્દીઓએ કહ્યું કે સરકાર આરોગ્ય ક્ષેત્રે સુખાકારી માટે કરોડો રૂપિયા વાપરી રહી છે ત્યારે `પેટ સીટી સ્કેન’ મશીનની કિંમત અઢીથી ત્રણ કરોડ રૂપિયા જેવી થવા જાય છે જે રકમ સરકાર માટે બહુ મોટી ગણાય તેવું લાગી રહ્યું નથી એટલા માટે રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓના હિતમાં નિર્ણય લઈ આ મશીન તાત્કાલિક મુકવું જોઈએ.
નવી ચિંતા: રાજકોટમાં પુરુષ કરતાં મહિલાઓમાં વધુ કેન્સર !
એક વિગત એવી પણ જાણવા મળી છે જે ખરેખર ચિંતાજનક ગણી શકાય…રાજકોટમાં અત્યારે પુરુષ કરતાં મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. પુરુષોને સૌથી વધુ મોઢાનું કેન્સર થઈ રહ્યું છે જ્યારે મહિલાઓમાં અલગ-અલગ પ્રકારના કેન્સર જોવાઈ રહ્યા છે અને તેમાં વધારો પણ થઈ રહ્યો છે.
આયુષ્યમાન કાર્ડ હેઠળ અમદાવાદ-વડોદરામાં રિપોર્ટ થઈ શકે, એક સપ્તાહ ત્યાં જ રોકાવું પડે !
અન્ય દર્દીઓના જણાવ્યા પ્રમાણે અમદાવાદ અને વડોદરામાં `પેટ સીટી સ્કેન’ રિપોર્ટ આયુષ્યમાન કાર્ડ હેઠળ થઈ શકે છે પરંતુ તેના માટે એક સપ્તાહ સુધી ત્યાં જ રોકાવું પડે તેવી સ્થિતિ છે. કાર્ડ હેઠળ સૌથી પહેલાં દર્દીએ અમદાવાદ કે વડોદરાની હોસ્પિટલમાં એપોઈન્ટમેન્ટ લેવાની હોય છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દર્દીના રિપોર્ટ માટે મંજૂરી લેવામાં આવે છે જેને ત્રણેક દિવસ જેટલો સમય લાગી જાય છે. મંજૂરી મળ્યા બાદ રિપોર્ટ માટેની દવા કે જે દિલ્હી અથવા મુંબઈથી મંગાવવી પડે છે તે મંગાવાય છે જે આવતાં દોઢેક દિવસ લાગી જાય છે. દવા આવી ગયા બાદ દર્દીને બોલાવાય છે અને પછી રિપોર્ટ કઢાવાય છે. મતલબ કે એક સપ્તાહ સુધી દર્દીએ ત્યાં જ રોકાવું પડે પછી તેનો રિપોર્ટ વિનામૂલ્યે બને છે.