સીસીટીવી કેમેરા નહીં લગાવનારને આટલા હજાર સુધીનો દંડ…જુઓ
જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરના જાહેરનામાના અસરકારક અમલ માટે રોડ સેફટી કમિટીનો નિર્ણય
રાજકોટ : રાજકોટ શહેર અને જિલ્લામાં હોટેલ, મોલ, થિયેટર અને મોટા ધંધાકીય સ્થળો ઉપરાંત પલ્બિકની વિશેષ અવરજવર ઉપરના સ્થળોએ સીસીટીવી કેમેરા ફરજીયાત બનાવ્યા હોવા છતાં આદેશની અમલવારી થતી ન હોય જિલ્લાની રોડ સેફટી કમિટી દ્વારા જાહેરનામાનું ઉલ્લંઘન કરનારને 25 હજાર સુધીના દંડ તેમજ ફોજદારી પગલાં સુધીની કાર્યવાહી કરવા નક્કી કરાયું છે.
રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ચેતન ગાંધીના જણાવ્યા મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં હોટેલ, મોલ, થિયેટર અને મોટા ધંધાકીય સ્થળો ઉપરાંત પલ્બિકની વિશેષ અવરજવર ઉપરના સ્થળોએ સીસીટીવી કેમેરા ફરજીયાત બનાવ્યા છે અને વખતો વખત જાહેરનામાં પ્રસિદ્ધ કરી જાહેરનામાનો અમલ કરાવવામાં આવે છે પરંતું અનેક કિસ્સામાં ધંધાર્થીઓએ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં ન આવતા હોય રોડ સેફટી કમિટીની બેઠકમાં હવેથી સીસીટીવી કેમરા ન લગાડનાર વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવા નક્કી કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત રાજકોટ શહેર અને જિલ્લામાં જાહેરનામા મુજબ સીસીટીવી કેમરા નહીં લગાડનાર પેઢી કે ધંધાર્થીને પ્રથમ વખત દસ હજાર, બીજી વખત ઉલ્લંઘન બદલ રૂપિયા 25 હજાર અને ત્રીજી વખત ઉલ્લંઘન થાય તો દંડનીય કાર્યવાહી સાથે ફોજદારી પગલાં ભરવામાં આવશે તેવું રોડ સેફટી કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે.