થર્ટી ફર્સ્ટે રાજકોટીયન્સના ધામા ગોવા-મુંબઈમાં: ટિકિટ ભાડું આસમાને’
- ગમે એટલી ટિકિટ મોંઘી હોય, ન્યુ યર તો ગોવા-મુંબઈમાં જ ઉજવશું !!
ગોવાની ફ્લાઈટ ટિકિટ ૩૦,૦૦૦ને તો મુંબઈની ૨૫,૦૦૦ને પાર: નાતાલનું વેકશન પડતાં જ લોકો ફરવા ઉપડ્યા: રાજકોટથી એક જ ફ્લાઈટ હોવાથી મુંબઈ થઈને ગોવા પહોંચવા પડાપડી
ડોમેસ્ટિકની સાથે સાથે ઈન્ટરનેશનલ પેકેજ પણ
મોંઘાદાટ’: દુબઈનું ટિકિટભાડું ૫૦,૦૦૦ને પાર: ફરવા જવાના પાછલા વર્ષના રેકોર્ડ આ વખતે તૂટશે: દિલ્હીની ટિકિટ પણ મોંઘી છતાં બુકિંગફૂલ'
૨૦૨૪નું વર્ષ શરૂ થવા આડે હવે માત્ર પાંચ દિવસનો સમય બાકી રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટીયન્સ ઘરઆંગણે નહીં બલ્કે મુંબઈ-ગોવા સહિતના સ્થળે ન્યુ યર સેલિબ્રેશન કરવા માટે તલપાપડ જોવા મળી રહ્યા છે. ફરવા જવાની આટલી ઘેલછાને કારણે જ અત્યારે રાજકોટથી ગોવા અને મુંબઈનું ફ્લાઈટ ભાડું
આસમાને’ પહોંચી ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે રાજકોટીયન્સ એવું જ કહી રહ્યા છે કે ફ્લાઈટ ટિકિટ ગમે એટલી મોંઘી થાય પરંતુ અમે ફરવા માટે તો ગોવા અને મુંબઈમાં જ ધામા નાખશું !!
શહેરના ટ્રાવેલર્સ પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે રાજકોટથી ગોવાનું વન-વે ભાડું અત્યારે ૧૫,૦૦૦ને પાર થઈ ચૂક્યું છે. સામાન્ય દિવસોમાં ગોવાનું ભાડું સાતેક હજાર રૂપિયા જેવું હોય છે જે અત્યારે ડબલ થયું છે. આ રીતે જોવા જઈને રાજકોટથી ગોવા આવવા-જવાનું ફ્લાઈટ ભાડું ૩૦,૦૦૦ સુધી પહોંચ્યું છે. આટલી રકમ ચૂકવવા છતાં અત્યારે રાજકોટથી ડાયરેક્ટ ગોવાની ફ્લાઈટ ટિકિટ મળવી મુશ્કેલ બની ગઈ છે કેમ કે મહત્તમ લોકોએ એડવાન્સ બુકિંગ કરી લીધું છે. ખાસ કરીને નાતાલનું વેકેશન પડી ગયું હોવાને કારણે લોકો ફરવા ઉપડી ગયા છે અને ૨૦૨૩ના વર્ષની અંતિમ રાત તેમજ ૨૦૨૪ના વર્ષનો પ્રથમ દિવસ ગોવામાં જ ઉજવવા માટે અનેક લોકો પહોંચી ચૂક્યા છે.
બીજી બાજુ રાજકોટ એરપોર્ટ પરથી ગોવાની એક જ ફ્લાઈટ છે જે ફૂલ જઈ રહી છે એટલા માટે અનેક લોકો મુંબઈ પહોંચીને ત્યાંથી ગોવા જઈ રહ્યા છે જેના કારણે મુંબઈની ફ્લાઈટનું ભાડું પણ આસમાનને આંબી ગયું છે. મુંબઈની ફ્લાઈટ વન-વે ટિકિટ અત્યારે ૧૦થી ૧૨,૦૦૦ રૂપિયામાં મળી રહી છે. આ રીતે જોઈએ તો અવર-જવરની ટિકિટનો ભાવ ૨૦થી ૨૫ હજારે પહોંચ્યો છે. જો કે ટિકિટ આટલી મોંઘી છતાં ખરીદી માટે રીતસરની પડાપડી થઈ રહ્યાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે દિલ્હીની ફ્લાઈટનું ભાડું સામાન્ય દિવસોમાં ચારથી પાંચ હજાર રૂપિયા હોય છે તે પણ અત્યારે વધીને ૧૨થી ૧૩,૦૦૦એ પહોંચી ગયું છે.
ડૉમેસ્ટિક ઉપરાંત ઈન્ટરનેશનલ પેકેજની વાત કરવામાં આવે તો દુબઈની ફ્લાઈટ ટિકિટનો ભાવ પણ બમણો થઈ ગયો છે. સામાન્ય દિવસોમાં દુબઈની વન-વે ટિકિટનો ભાવ ૨૫,૦૦૦ રૂપિયા હોય છે જે અત્યારે ૫૦,૦૦૦એ પહોંચી ગયો છે. એકંદરે આ વર્ષે હવાઈ મુસાફરીના પાછલા વર્ષના તમામ રેકોર્ડ તૂટી જાય તો નવાઈ પામવા જેવું રહેશે નહીં.