દિવાળી માથે છે, ૪૫૦ લોકોના રોજગારનું તો વિચારો !
સર્વેશ્ચર ચોકમાં વોંકળાનો સ્લેબ તૂટી પડતાં બંધ કરાયેલા શિવમ-૧ અને શિવમ-૨ કોમ્પલેક્સનું ફિઝિબિલિટી રિપોર્ટનું કોકડું ગુંચવાતાં વેપારીઓએ મ્યુનિ.કમિશનર પાસે દોડી ગયા
સર્વેશ્વર ચોકમાં બે સપ્તાહ પહેલાં શિવમ-૨ કોમ્પલેક્સનો વોંકળા પરનો સ્લેબ અચાનક ધસી પડતાં ૩૦ જેટલા લોકો તેમાં ખાબક્યા હતા જેના કારણે ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. આ ઘટના બન્યા બાદ મહાપાલિકા દ્વારા શિવમ-૧ અને શિવમ-૨ એ બન્ને કોમ્પલેક્સના વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવી દઈ પહેલાં તેનો ફિઝિબિલિટી રિપોર્ટ કઢાવી લેવા આદેશ કર્યો હતો. ઘટના બન્યાને દસેક દિવસ ઉપર વીતી જવા છતાં હજુ સુધી રિપોર્ટનું કોકડું ગુંચવાયેલું જ રહેવાને કારણે દુકાન કે ઑફિસ ખોલી ન શકતાં આજે મોટી સંખ્યામાં વેપારીઓ સહિતનાએ મ્યુનિ.કમિશનરને રજૂઆત કરતાં કહ્યું હતું કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે બરાબર ત્યારે જ કોમ્પલેક્સને બંધ કરી દેવાને કારણે ૪૫૦ જેટલા લોકોની રોજગારી છીનવાઈ જશે.
મ્યુનિ.કમિશનરને શિવમ-૧ અને શિવમ-૨ કોમ્પલેક્સ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યું કે તા.૨૭ સપ્ટેમ્બરે મનપાને એક પત્ર લખ્યો હતો જો કે તેનો કોઈ જ જવાબ અમને મળ્યો નથી. શિવમ-૧માં અંદાજે ૯૦ જેટલી દુકાન-ઑફિસ આવેલી છે ત્યારે કોમ્પલેક્સ બંધ થવાને કારણે આ ૯૦ પરિવારની રોજગારી તેમજ તેને ત્યાં નોકરી કરતા કર્મચારીઓની હાલત ખરાબ થઈ શકે છે. અહીં ઘણીખરી દુકાનો એવી છે જેમની દિવાળી પર સીઝન આવતી હોવાને કારણે ત્યારે જ કોમ્પલેક્સ બંધ કરી દેવામાં આવશે તો ધંધા-રોજગારનું શું થશે ?
વેપારીઓ-ઑફિસધારકોની રજૂઆત સાંભળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે એકાદ દિવસમાં કોમ્પલેક્સની મુલાકાત કરીને કોમ્પલેક્સમાં ક્યાં-ક્યાં નબળાઈ છે તે અંગેની માહિતીથી વાકેફ કરી દેશે તેવી ખાતરી આપી હતી સાથે સાથે તૂટી ગયેલા સ્લેબનો રિપોર્ટ પણ એકાદ દિવસમાં આવી જવાનો હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.