રાજકોટમાં આંગણવાડીની બાજુમાં જ દેશી દારૂ ઢીંચતા લુખ્ખાઓ : ભૂલકાઓ લાચાર
શહેરની કેટલીક આંગણવાડીમાં પીવાના પાણી માટેના આર.ઓ. પ્લાન્ટ બે-બે વર્ષથી બંધ: એક આંગણવાડીમાંથી તો વારંવાર
પાણીના ટાંકાના ઢાંકણાં ચોરી જતાં લુખ્ખાઓ
રાજકોટમાં આંગણવાડીમાં ચાલતી લાલિયાવાડી એક પછી એક સામે આવી રહી છે. બાળકોને પોષણયુક્ત આહાર, લાખ્ખોના ખર્ચે આંગણવાડી બની હોવા છતાં બે-બે વર્ષથી બંધ હાલતમાં હોવાનો વોઇસ ઓફ ડે' દ્વારા પર્દાફાશ કર્યા બાદ વધુ એકવાર આંગણવાડીઓનું ભોપાળું ખુલ્લુ પડ્યું છે.
શહેરની અનેક આંગણવાડીઓમાં બાળકોને શુદ્ધ પીવાના પાણી માટે મૂકવામાં આવેલા આર.ઓ. પ્લાન્ટ પણ બે-બે વર્ષથી બંધ હાલતમાં છે. તો વળી એક જગ્યાએ જાહેર શૌચાલયની બાજુમાં જ આવેલી આંગણવાડીમાં બાળકોને દેશી દારૂની કોથળીઓ વચ્ચેથી પસાર થઈને જવું પડે છે. આવી સ્થિતમાં પણ પાયાનું શિક્ષણ મેળવવા ભૂલકાઓ લાચાર બન્યા છે. રાજ્ય સરકાર દ્વારા પાયાનું શિક્ષણ મળી રહે તેવા હેતુ સાથે રાજ્યમાં આંગણવાડી કેન્દ્રો ખોલવામાં આવ્યા છે અને લાખ્ખો રૂપિયા દર મહિને બાળકો માટે ખર્ચવામાં આવે છે.
પરંતુ રાજકોટમાં મહાનગર પાલિકાના અધિકારીઓ અને આંગણવાડીનું સંચાલન કરનારાઓની દાનતને કારણે લોલમલોલ ચાલી રહ્યું છે. રાજકોટમાં નાનામવા મેઇન રોડ પર આવેલી દેવનગર આંગણવાડીની બાજુમાં જાહેર શૌચાલય આવેલું છે. આ વિસ્તારમાં ન્યૂસનને કારણે કેટલાક વાલીઓ પોતાના બાળકોને આંગણવાડીમાં મૂકવા જતાં નથી. તો બીજી તરફ આંગણવાડીની બાજુમાં આવેલા શૌચાલયમાં કેટલાક લુખ્ખા તત્વો દેશી દારૂ ઢીંચવા આવી જાય છે.
આ દારૂની કોથળીઓ ક્યારેક શૌચાલયની બારીએ ટીંગાતી જોવા મળે છે તો કયારેક આંગણવાડી નજીક પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં ક્યાં વાલી પોતાના બાળકોને અભ્યાસ અર્થે આવી આંગણવાડીમાં મૂકશે? જ્યારે જે ભૂલકાઓ શિક્ષણ મેળવવા માટે આવે છે તેઓ પણ લાચાર સ્થિતિમાં છે. આ ઉપરાંત શહેરના ગોકુલધામ વિસ્તારમાં ગોકુલધામ આવાસ યોજના પાસે આવેલી આંગણવાડીની એવી હાલત છે કે અહીંયા વર્કરો પણ ત્રાસી ઉઠયા છે. આ આંગણવાડીમાં બનેલા પાણીના ભૂગર્ભ ટાંકાનું ઢાંકણું છાસવારે કોઈ ચોરી જાય છે.
જેના કારણે ઢાંકણાંને બદલે કોથળા વડે આ ટાંકાને ઢાંકવામાં આવે છે. જે બાળકો માટે જોખમી છે. અનેક ફરિયાદો કરવા છતાં તેનું નિરકણ આવતું નથી. જ્યારે શહેરની અનેક આંગણવાડીઓમા બાળકો માટે શુદ્ધ પીવાના પાણી માટે આર.ઓ. સિસ્ટમ મૂકવામાં આવી છે પરંતુ તે છેલ્લા બે -બે વર્ષથી બંધ હોવાનું
વોઇસ ઓફ ડે’એ લીધેલી રૂબરૂ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. આંગણવાડીઓમાં ચાલતી લાલિયાવાડી અંગે અધિકારીઓ જાણે અજાણ હોય તેવું લાગી રહ્યું છે. સરકારની લાખ્ખો રૂપિયાની ગ્રાન્ટ ક્યાં વપરાતી હશે? તેવો પ્રશ્ન ઊભો કરે છે. યોગ્ય સંચાલનના અભાવે સરકારની યોજનાનો હેતુ જ મરી ગયો છે.
બાળકોને પોષણયુક્ત ભોજન આપવાની ખાતરી આપતા સંચાલકો
આંગણવાડીમાં ભૂલકાઓને આપવામાં આવતું ભોજન ગુણવત્તા યુક્ત ન હોવાનો વોઇસ ઓફ ડે દ્વારા પર્દાફાશ કરવામાં આવતા આંગણવાડીના ભોજન સંચાલકોએ બાળકોને પોષણયુક્ત ભોજન મળી રહે તેવી ખાતરી `વોઇસ ઓફ ડે’ને ખાતરી આપી છે. સંચાલકોએ કહ્યું હતું કે જે કંઇ ક્ષતિ રહી ગઇ છે તે દૂર કરવામાં આવશે અને હવેથી ગુણવત્તાયુક્ત ભોજનમાં કચાશ ન રહે તેનું ધ્યાન રખાશે. છેલ્લા બે દિવસથી આંગણવાડીમાં યોગ્ય ભોજન મળતું હોવાનું આંગણવાડી વર્કરો જણાવી રહ્યા છે. પરંતુ વોઇસ ઓફ ડે દ્વારા નાના-નાના ભૂલકાઓને પોષણ યુક્ત ભોજન મળે છે કે કેમ? તે અંગે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવશે અને જો યોગ્ય ભોજન મળતું નહિ હોય તો ફરીવાર તંત્ર અને સંચાલકોના કાન આમળવામાં આવશે.