કોટેચા ચોકમાં વાહનોના થપ્પા નહીં લાગે, સર્કલને અડધું કરવાનું શરૂ
વોઈસ ઓફ ડે’એ પ્રજાનો અવાજ બની તંત્રને ઢંઢોળ્યું’ને આખરે સમસ્યાનું આવ્યું નિવારણ
૪૦૦ મીટરનું સર્કલ હવે ૨૨૦ મીટર કરાશે: માત્ર મિગ વિમાન ફરતે જ સર્કલ રખાશે, બાકીનો આખો ભાગ નીકળી જશે
હજારો વાહનચાલકોને મળશે લાભ, સર્કલ અડધું કરાયા બાદ અન્ય નડતર પર દૂર કરવા તૈયારી
ટ્રાફિકજામ, નાના-મોટા અકસ્માત, માથાકૂટ સહિતનું ઘર' બની ગયેલા કોટેચા ચોકમાં વાહન ચાલકોને પસાર થવામાં કેવી અગવડ પડી રહી છે તેનો
જાતઅનુભવ’ કરીને વોઈસ ઓફ ડે' દ્વારા આ દિશામાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને તેના થકી તંત્રને ઢંઢોળાયું હતું. આખરે તંત્રએ અહેવાલ પરથી ધડો લઈને કોટેચા ચોકના મહાકાય સર્કલને તોડવાનું શરૂ કરી દીધું છે અને ટૂંક સમયમાં જ આ સર્કલ અડધું કરી દેવામાં આવશે.
આ અંગે મહાપાલિકાના ઈજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે દિવસેને દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યાને કારણે કોટેચા ચોક સહિતના સર્કલ નાના કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સર્કલને નાના કરવા કે નહીં તે માટેનો સર્વે કરવા માટે સુરતની એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ આવી ગયા બાદ આ કાર્યવાહી શરૂ કરાઈ છે.
કોટેચા ચોક સર્કલની વાત કરવામાં આવે તો જ્યાં મિગ વિમાન મુકાયું છે તેના ફરતેનું સર્કલ ૪૦૦ મીટરનું હતું જે હવે ૨૨૦ મીટર કરી દેવામાં આવશે. એકંદરે માત્ર મિગ વિમાન ફરતે જ સર્કલ રાખીને બાકીની જગ્યા વાહનો પસાર થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ કામ દિવાળી સુધીમાં પૂર્ણ થઈ જવાની પૂરી શક્યતા છે. આ સર્કલ ૨૧ મીટર લાંબુ અને ૧૮.૫૦ મીટર પહોળું હતું જેને નાનું કરવાનું શરૂ કરી દેવાયું છે.
આ સર્કલ નાનું થઈ જવાથી હજારો વાહનચાલકોને લાભ મળશે. આ સર્કલ નાનું થયાબાદ ત્યાં આસપાસ ફ્લેમિંગોના સ્ટેચ્યુ સહિતનો
શણગાર’ કરવામાં આવ્યો છે ત્યારે જો એ નડતરરૂપ જણાશે તો તેને પણ હટાવી દેવામાં આવશે. આ ઉપરાંત રૈયા ટેલિફોન એક્સચેન્જ સર્કલને પણ નાનું કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
હજુ આટલા સર્કલ નાના કરાશે
- અમૂલ સર્કલ
- જિલ્લા પંચાયત
- જડ્ડુસ હોટેલવાળો ચોક
- મોકાજી સર્કલ
- રાજનગર
- એસ્ટ્રોન
- જેટકો