સાગઠિયાને સ્માર્ટ સિટીના TPO બનાવી સાઈડલાઈન’ કરવાની યોજના હતી !
અનેક સ્તરેથી ફરિયાદો ઉઠ્યા બાદ જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરવાની તૈયારી કરી લેવાઈ'તી
સાગઠિયાના સ્થાને નવા ટાઉન પ્લાનિંગ ઓફિસર મુકવાના હતા પણ અગ્નિકાંડ થતાં બધું ડહોળાઈ ગયું !
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડમાં જેની સૌથી ભૂંડી ભૂમિકા રહી છે તે તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાએ ભ્રષ્ટાચાર કરવામાં આડો દાટ વાળ્યો હતો. દરેક બિલ્ડરને
વધેરી’ લેવાની તેની મેલી મથરાવટીની ફરિયાદો પદાધિકારીઓ સુધી પહોંચી હતી. એક સમયે ફરિયાદોનો ઢગલો મોટો થયે જ રાખતા આખરે સાગઠિયાને સાઈડલાઈન કરવાનો નિર્ણય લેવાઈ ગયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. સાગઠિયાને સ્માર્ટ સિટીના ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે મુકી દેવાનો તખ્તો ઘડાઈ ચૂક્યો હતો પરંતુ તે બધું આગળ વધે તે પહેલાં જ અગ્નિકાંડ સર્જાતાં બધું ડહોળાઈ ગયું હતું.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે સાગઠિયાને સ્માર્ટ સિટીના ટાઉન પ્લાનિંગ ઓફિસરની જવાબદારી સોંપી દેવા માટે જનરલ બોર્ડમાં ઠરાવ પસાર કરવા સુધીની તૈયારી કરી લેવામાં આવી હતી. સ્માર્ટ સિટીમાં મુકી દેવા પાછળનું મુખ્ય કારણ જ બિલ્ડરો સાથે તેના સંપર્ક તોડવાનું હતું. સ્માર્ટ સિટીની જવાબદારી સોંપી દેવાયા બાદ તેણે મ્યુનિ.કમિશનર, ડે.કમિશનરના આદેશ પ્રમાણે જ કામ કરવાનું રહ્યું હોત. અહીં કોઈ બીજી કામગીરી અને ખાસ કરીને નવા પ્રોજેક્ટ મુકાય એટલે સાગઠિયા સાથે સીધો કોઈનો સંપર્ક ન રહે તેવી ગોઠવણ કરી લેવાઈ હતી. આ ઉપરાંત એઈમ્સ હોસ્પિટલ કે જે ભવિષ્યમાં રાજકોટ મનપામાં ભળી જવાની છે તેની આસપાસના વિસ્તારનું પ્લાનિંગ પણ સાગઠિયાને સોંપવામાં આવનાર હતું.
સાગઠિયાને સ્માર્ટ સિટીના ટીપીઓ બનાવ્યા બાદ તેના સ્થાને નવા ટાઉન પ્લાનિંગ ઓફિસર મુકવાનું પણ નક્કી થઈ ગયું હતું અને આ અંગેની દરખાસ્તને મંજૂરી આપી તેનો ઠરાવ જનરલ બોર્ડમાં કરવામાં આવનાર હતો પરંતુ તે પહેલાં અગ્નિકાંડ સર્જાઈ ગયો હોવાથી આ બધું ધરબાઈ જવા પામ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સાગઠિયાની હડફેટે અનેક બિલ્ડરો તો ચડી જ ગયા હતા સાથે સાથે તેની ફરિયાદો પણ નેતાઓ સુધી પહોંચી હતી અને એક સમયે સાગઠિયા આણી ટોળકીની બારીકાઈથી તપાસ કરવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો હતો.