પુત્ર-પત્ની-તેના પ્રેમીને પતાવી દીધાનો કોઈ જ અફસોસ નથી
આજીડેમ ચોકડીએ ટ્રક હેઠળ ત્રણ લોકોને કચડી મારનાર પ્રવીણ દાફડાને રિમાન્ડ પર લેવાયો: પત્નીને તેના પ્રેમી નવનીત સાથે જ જોતાં જ ખુન્નસ ભરાયું’ને મારી નાખવાનું નક્કી કરી લીધું’તું
રવિવારની સમી સાંજે કોઠારિયા ચોકડીથી આજીડેમ ચોકડી વચ્ચે સ્કૂટર પર જઈ રહેલા ત્રણ લોકોને કચડી નાખી ત્રણ-ત્રણ હત્યા કરી નાખનાર હત્યારાને કોઈ જ પ્રકારનો અફસોસ ન હોવાનું પોલીસની પૂછપરછમાં ખુલ્યું છે. એકંદરે પોતાના ૧૧ વર્ષીય પુત્ર, પત્ની તેમજ તેના પ્રેમીને સાથે જોતાં જ તેમને કરુણમાં કરુણ મોત આપવાનો નિધૉર કરી ચૂકેલા આરોપીએ હત્યાને અંજામ આપ્યા બાદ બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં તેને સફળતા મળી ન્હોતી અને આખરે પોલીસે તેને દબોચી લઈ રિમાન્ડ પર લેવા તજવીજ કરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગતો પ્રમાણે રવિવારે સાંજે આજીડેમ ચોકડી તરફ જતાં હાઈ-વે રોડ પર રામવન સામે જીજે૩-બીકે-૫૫૬૦ નંબરનું એક્ટિવા લઈને જતા નવનીત, પારૂલબેન અને ૧૧ વર્ષીય પ્રદીપને ટ્રક નં.જીજે૩-બીડબલ્યુ-૯૦૭૫એ કચડી નાખી ત્રણેયને ૧૫ ફૂટ સુધી ઢસડાવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં દોડી ગયેલી પોલીસને પ્રાથમિક રીતે અકસ્માતની શંકા ગઈ હતી પરંતુ ઉંડાણપૂવૅકની તપાસ કરતાં આ અકસ્માત નહીં બલ્કે હત્યાકાંડ હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ પછી પોલીસે ટ્રકચાલક અને પારૂલના પતિ-પ્રદીપના પિતા પ્રવીણ વાલજીભાઈ દાફડાને દબોચી લીધો હતો. પૂછપરછમાં પ્રવીણે જણાવ્યું કે તે નમકીનનો ટ્રક ચલાવતો હોય પોતાની પત્ની પ્રેમી સાથે જઈ રહી હોવાથી તેને ટ્રક હેઠળ કચડી નાખી પતાવી દેવાનો પ્લાન ઘડ્યો હતો. આ અંગેનું પ્લાનિંગ તેણે અગાઉથી નહીં બલ્કે સ્થળ પર ઉભા ઉભા જ ઘડી કાઢ્યું હતું. આજીડેમ પોલીસ મથકના પીઆઈ એલ.એલ.ચાવડા સહિતના સ્ટાફે પ્રવીણની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.