મિઠાઈમાં ભેળસેળ તો નથી ને ? એક સપ્તાહ સુધી તડાપીટ બોલાવશે મનપા
દશેરા-દિવાળી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખી સઘન ચેકિંગ કરવાનો સરકારનો આદેશ છૂટતાં જ ફૂડ શાખાએ ૧૦ સ્થળેથી લીધા નમૂના
ધારેશ્વર, સીતારામ સહિતની ડેરીઓમાંથી અંજીર રોલ, ખજૂર બરફીના નમૂના લેવાયા: રિપોર્ટ છેક દિવાળી બાદ આવશે !
આગામી દિવસોમાં દશેરા-દિવાળી સહિતના મોટા તહેવારો આવી રહ્યા છે ત્યારે તેમાં મિઠાઈ સહિતનો `ઉપાડ’ વધુ રહેતો હોવાથી ભેળસેળનું પ્રમાણ પણ એટલું જ વધુ રહે છે. આ વર્ષે ભેળસેળ સહિતની હરકત ન થાય તે માટે સરકાર દ્વારા અત્યારથી જ દરેક મહાપાલિકાની ફૂડ શાખાને મિઠાઈનું વેચાણ કરતા એકમો ઉપર તૂટી પડવા આદેશ છૂટતા જ તડાપીટ બોલાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ પ્રકારનું ચેકિંગ હજુ એક સપ્તાહ સુધી ચાલનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
ફૂડ શાખા દ્વારા કોઠારિયા રોડ પર જય ધારેશ્વર ડેરી ફાર્મમાંથી અંજી રોલ, મહાદેવવાડી મેઈન રોડ પર શ્રદ્ધા ગુલાબજાંબુમાંથી મીઠો માવો, મોળો માવો, જય સીતારામ ડેરી ફાર્મમાંથી મીઠો માવો, ખજૂર બરફી, મવડી પ્લોટ-૪માં આવેલા પટેલ સ્વીટસમાંથી મીઠો માવો, માવો, ૮૦ ફૂટ રોડ પર વિકાસ ડેરીમાંથી મોદક લાડુ, વાણિયાવાડીમાં બોલબાલા માર્ગ ૪/૧૦ના ખૂણે આવેલા સીતારામ વિજય પટેલ આઈસ્ક્રીમ એન્ડ ડેરીમાંથી મોદક લાડુ, પટેલ બેકરીમાંથી મોદક લાડુના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જો કે આ તમામના નમૂના છેક દિવાળી બાદ આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
દરમિયાન શ્યામલ ઉપવન સામે, વગડ ચોક પાસે આવેલા મારૂતિ કોઠી આઈસ્ક્રીમને ત્યાં તપાસ કરવામાં આવતા સંગ્રહ કરાયેલા ચાર કિલો વાસી સમોસાનો જત્થો પકડાતાં સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો.