વર્ષ બદલાયું, રોગચાળાની રફ્તાર નહીં દર્દીઓનો રાફડો ફાટ્યો
૨૫ થી ૩૧ ડિસેમ્બર સુધીમાં શરદી-ઉધરસના ૧૨૩૩, તાવના ૧૨૭, ડેન્ગ્યૂ-ચિકનગુનિયા તેમજ મેલેરિયાના ૬ કેસ નોંધાયા
૨૦૨૪નું વર્ષ શરૂ થઈ ગયું છે. નવા વર્ષે નવી ઉર્જા, નવો ઉમંગ હોવો સ્વાભાવિક છે પરંતુ રોગચાળાની રફ્તારને કારણે રાજકોટમાં દર્દીઓનો રીતસરનો રાફડો ફાટી નીકળ્યો છે. એકંદરે વર્ષ બદલાયું છે પરંતુ રોગચાળાની રફ્તાર બિલકુલ ઘટી ન હોય તેવી રીતે ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધીમાં શરદી-ઉધરસ, તાવ, ડેંગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા સહિતની બીમારીના દર્દીઓ ચિંતાજનક હદે વધી રહ્યા છે.મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે એક સપ્તાહમાં ચિકનગુનિયાના ૩ (વર્ષના ૪૦), ડેંગ્યુના ૨ (વર્ષના ૨૦૪), મેલેરિયાનો ૧ (વર્ષના ૯૦) કેસ મળ્યો છે.
આવી જ રીતે શરદી-ઉધરસના ૧૨૩૩ (વર્ષના ૨૫૮૧૭), સામાન્ય તાવના ૧૨૭ (વર્ષના ૨૫૫૨), ઝાડા-ઊલટીના ૨૩૭ (વર્ષના ૭૦૯૧) કેસ મળી આવ્યા છે. જ્યારે ૨૦૨૩માં ટાઈફોઈડના કુલ ૧૬ કેસ નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. એકંદરે નવેમ્બર મહિનાથી રોગચાળાએ પકડેલી રફ્તાર ૩૧ ડિસેમ્બર સુધી જળવાયેલી રહી હતી અને દર સપ્તાહે દર્દીઓની સંખ્યામાં વધારો જ નોંધાયો છે ત્યારે ૨૦૨૪ના વર્ષમાં આ રફ્તાર ઘટે છે કે પછી વધે છે તેના પર સૌની નજર ટકેલી રહેશે. બીજી બાજુ મહાપાલિકા દ્વારા રોગચાળો અટકાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમાં ધારી સફળતા મળી રહી હોય તેવું લાગતું નથી.