વિકસિત ભારતમાં રોકાણ કરવા વિશ્વ આખું તત્પર : મોદી
એક તરફ સંસ્કૃતિનો ઉત્સવ અને બીજી બાજું વિકાસનો ઉત્સવ
લાઠીના દુધાળામાં જંગી જાહેરસભાને સંબોધન : સૌરાષ્ટ્ર માટે રૂ.4800 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ
અમરેલીની ભૂમિએ દેશને સંત યોગીજી મહારાજ, કવિ કલાપી, દુલા ભાયા કાગ, જાદુગર કે.લાલ અને જીવરાજ મહેતા જેવા રત્નો આપ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વડોદરામાં વાયુસેના માટે હવાઈ જહાજ બનાવતી ફેક્ટરીનું ઉદઘાટન કર્યા બાદ અમરેલી જિલ્લામાં લાઠી તાલુકાના દુઘાળા ગામે ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરી સૌરાષ્ટ્રના રૂપિયા 4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. આ તકે જનસભાને સંબોધતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ સમય મગંલકાર્યોનો સમય છે. એક તરફ સંસ્કૃતિનો ઉત્સવ અને બીજી બાજું વિકાસનો ઉત્સવ આ જ ભારતની નવી તાસીર છે. વિરાસત અને વિકાસ સહિયારા ચાલી રહ્યા છે ત્યારે વિકસિત ભારતમાં રોકાણ કરવા વિશ્વ આખું તત્પર હોવાનું જણાવી બ્રિક્સ સંમેલનની વાતો કરી વિકસિત ગુજરાત વિકસિત ભારતના નવા મંત્રને સાર્થક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ પોતાના વક્તવ્યની શરૂઆતમાં જણાવ્યું હતું કે, પાણી અને પર્યટનને સીધો નાતો છે. હું હમણા ભારતમાતા સરોવર જોતો હતો ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે, જે વિદેશી પક્ષીઓ આવે છે તેમને હવે નવું સરનામું મળશે. તેની સાથે પ્રવાસીઓના ધાડેધાડા ઉતરવાના છે. સાથે જ તેમને જાફરાબાદના શિયાળબેટમાં માછીમારી ભાઈઓ માટે નવું ઇન્ફ્રાસ્ટ્ર્કચર ઉભુ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવી પીપાવાવ બંદર હજારો લોકોને રોજગારી આપવાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે હવે સરકાર ગુજરાતના દરેક બંદરને દેશના અન્ય બંદરો સાથે જોડવા પ્રયાસ કરી રહી હોવાનું જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ આ તકે ખાસ જણાવ્યું હતું કે, અમરેલીની ધરતી એટલે રત્નોની ધરતી છે અમરેલીની ધરતીએ અનેક રત્નો આપ્યા છે, અમરેલીનો ઐતિહાસિક, સાંસ્કૃતિક અને રાજકીય રીતે તેનો ગૌરવશાળી ભૂતકાળ રહ્યો છે. જેણે સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન યોગીજી મહારાજ, ભોજા ભગત, કવિ દુલા ભાયા કાગ, રે…પંખીડા તમે સુખેથી ચણજો પંક્તિઓ આપનાર કવિ કલાપી, જાદુગર કે.લાલ અને જાણીતા કવિ રમેશ પારેખ ભેટ આપ્યા છે. સાથે જ ગુજરાતના પેહલા મુખ્યમંત્રી જીવરાજભાઈ પટેલ પણ અમરેલીની ધરતીએ જ આપ્યા હોવાનું જણાવી અમરેલીની જીઆઇ ટેગ ધરાવતી કેસર કેરીની પણ વાત કરી હતી.
વધુમાં વડાપ્રધાન મોદીએ અમરેલી જિલ્લાની શ્વેતક્રાંતિને યાદ કરતા જણાવ્યું હતું કે અહીંની અમર ડેરીની શરૂઆતમાં માત્ર 25 ગામ જોડાયેલ હતા આજે 700 ગામની મંડળીઓ અમરડેરી સાથે જોડાઈ છે અને દરરોજનું સવાલાખ લીટર દૂધ એકત્રિત કરી અમરેલીએ શ્વેતક્રાંતિને સફળ કરી છે અને હવે એથી અર્પણ આગળ અમરેલી જિલ્લામાં સ્વીટ ક્રાંતિ શરૂ થઇ છે અને ગામડે-ગામડે હવે ખેતરોમાં મધમાખી પાલન થવા લાગ્યું. આજે અહીનું મધ પણ પોતાની એક ઓળખ ઉભી કરી રહ્યું છે. સાથે જ સવજીભાઈ ધોળકિયાના પ્રયાસોથી દુધાળા ગામ સોલાર વિલેજ બન્યું હોવાનું જણાવી દેશમાં દોઢ કરોડ પરિવારે નોંધણી કરાવી હોવાનું તેમજ ગુજરાતમાં 2 લાખ ઘરો પર સોલાર પેનલ લાગી ચૂકી હોવાનું જણાવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ આ તકે જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસને સંબધિત અનેક પ્રોજેક્ટ્સ તેનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવાનો મને અવસર મળ્યો છે. ચાહે લોથલ હોય કે, સૌની યોજના હોય કે પછી નર્મદા યોજના હોય કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે પછી ભાવનગર સુરત રો-રો ફેરી સર્વિસ હોય.. તેમને એમ પણ કહ્યું હતું કે, કદાચ મને એવું લાગે છે કે તમામ સારા કાર્યો મારા હસ્તે જ થવાના હશે એટલે જ આજે અહીં આવતા પહેલા મે વડોદરામાં ભારતની એવી પહેલી એક ફેક્ટરીનું કર્યું કે હવે વાયુસેના માટે મેડ ઇન ઇન્ડિયા હવાઇ જહાજ ઘર આંગણે જ નિર્માણ થશે.
હવાઈ જહાજ કંપનીથી રાજકોટને ફાયદો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, વડોદરામાં શરૂ થયેલી હવાઈ જહાજની કંપનીને કારણે આવનાર દિવસોમાં રાજકોટ સહિતના શહેરોના નાની-નાની ફેકટરીઓને બહુ મોટો ફાયદો થવાનો છે કારણ કે હવાઈ જહાજ નિર્માણ માટે હજારોની સંખ્યામાં અલગ-અલગ સ્પેરપાર્ટનો ઉપયોગ થાય છે જે સ્પેરપાર્ટનું ઉત્પાદન કરી રાજકોટ સહિતના શહેરોના ફેક્ટરી માલિકોને ફાયદો મળશે.
જર્મની દર વર્ષે 90 હજાર લોકોને વીજા આપશે
અમરેલી ખાતે જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આજે આખું વિશ્વ ભારતની વિકાસ યાત્રામાં જોડાવા માંગે છે,વિશ્વના અનેક દેશો ભારતભરમાં રોકાણ માટે તૈયાર હોવાની સાથે ભારતીય યુવાનોના સ્કિલને પણ આવકારી રહ્યા હોવાનું કહી યુવાનોને જર્મનીમાં પોતાની સ્કિલ બતાવવા માટે મોકો મળ્યો છે, જર્મનીએ આ વર્ષથી ભારતીયો માટે વર્ષે 90 હજાર વીજા આપવાનું જાહેર કર્યું હોય જર્મની જવા માંગતા યુવાનોને તૈયાર થવા જણાવ્યું હતું.
અમરેલીથી રૂ.4800 કરોડના પ્રોજેક્ટના લોકાર્પણ-ખાતમુહૂર્ત
વડાપ્રધાન મોદીના હસ્તે અમરેલી ખાતેથી જળસંચય, રેલવે, રાષ્ટ્રીય ધોરી માર્ગ સહિતની માળખાકીય સુવિધાઓ માટેના અંદાજે રુ. 4800 કરોડથી વધુના કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગના અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાના 1600 જેટલાં પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રુ.35 કરોડના ખર્ચે ગાગડીયો નદી પુન:જીવિત
અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં દુધાળા ગામે રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જનભાગીદારીથી રુ.35 કરોડના ખર્ચે ગાગડીયો નદી પુન:જીવિત કરી નદી પર બનાવવામાં આવેલા ભારત માતા સરોવરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે જ વોટરશેડ હસ્તકના 4.50 કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિ ધરાવતા ચેકડેમને ઉંડો કરવાની કામગીરી ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ થકી ચેકડેમની પાણીની સંગ્રહ શક્તિમાં 20 કરોડ લીટરનો વધારો થયો છે.