ગરમીનો કહેર યથાવત: રાજકોટમાં તાપમાન સતત ત્રીજા દિવસે 40 ડિગ્રીને પાર
પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે હીટવેવ: તાપમાન 1 થી 2 ડિગ્રી વધવાની શક્યતા
રાજ્ય સહિત રાજકોટમાં ગરમીનો કહેર યથાવત રહ્યો છે અને શુક્રવારે પણ સતત ત્રીજા દિવસે તાપમાનનો પારો 40 ડિગ્રીને પર રહ્યો છે. મહત્તમ તાપમાન ઉનાળાની શરૂઆતમાં જ 40 ડિગ્રીને પાર થઈ જતાં શહેરીજનો ગરમીથી ત્રાહિમામ થઈ ગયા છે. હવામાન વિભાગે દ્વારા આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં ગુરુવારે સૌથી ગરમ શહેર અમરેલી અને રાજકોટ રહ્યું હતું.
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી પાંચ દિવસ હીટવેવ રહેશે. જેને કારણે લોકોએ અસહ્ય ગરમીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. શુક્રવારે પણ મહતમ તાપમાન 40 ડિગ્રીને પાર રહેવા પામ્યું હતું. બપોરના સમયે અનુભવાતી કાળઝાળ ગરમીને કારણે જનજીવન ઉપર પણ માઠી અસર થવા પામી છે. ધોમધકતા તાપને કારણે બપોરના સમયે શહેરમાં જાણે સ્વયંભૂ કર્ફ્યૂ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના રાજમાર્ગો સૂમસામ જોવા મળી રહ્યા છે. ધોમધકતા તાપને કારણે લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ ગરમીથી રાહત મેળવવા પંખા, એસીનો ઉપયોગ પણ વધી ગયો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ હીટવેવ રહેશે. તા.22 થી 24 દરમિયાન કચ્છ, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, આગામી દિવસોમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રી વધવાની શક્યતા છે.