વડાપ્રધાનનાં કાર્યક્રમને લઇ તંત્ર ઉંધા માથે થયું
પીએમ કાર્યક્રમને પગલે ૨૦૦ કર્મચારીઓને વિશેષ ફરજ સોંપાઇ
પાંચ ડેપ્યુટી કલેકટર તેમજ ચાર મામલતદારને ખાસ ફરજ
રેસકોર્સ મેદાનમાં વડાપ્રધાનની જાહેરસભામાં ૧૧ એન્ટ્રી ગેઇટ
વીવીઆઇપી માટે ૧૧ બ્લોક, ૩૯ સામાન્ય બ્લોક બનાવવામાં આવ્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક દિવસની રાજકોટ મુલાકાતને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીના ધમધમાટ વચ્ચે ૫ ડેપ્યુટી કલેકટર, ૪ મામલતદારને ખાસ ફરજ સોંપવાની સાથે ૨૦૦ જેટલા મહેસુલી કર્મચારીઓ અને પંચાયતી કર્મચારીઓને પણ વિશેષ ફરજ સોંપવામાં આવી છે, બીજી તરફ એઇમ્સ લોકાર્પણ બાદ સીધા જ રેષકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાના આયોજનને લઈ નિવાસી અધિક કલેક્ટરને સભા સ્થળની જવાબદારી સુપરત કરાઇ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ચાર દિવસના ગુજરાત પ્રવાસને લઈ સમગ્ર રાજ્યમાં તડામાર તૈયારીઓ વચ્ચે રાજકોટ ખાતે વડાપ્રધાન તા.૨૫ના રોજ એઇમ્સ, ઝનાના, રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ લાઈન રેલવે પ્રોજ્ક્ટ સહીત ૫૦૦૦ કરોડથી વધુના સૌરાષ્ટ્રભરના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના હોય રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ડે ટુ ડે મીટીંગનો દૌર શરૂ કરાયો છે, બીજી તરફ વડાપ્રધાન રેષકોર્ષ ગ્રાઉન્ડમાં સભા સંબોધનાર હોય અહીં ૫ વિશાળ ડોમ બનાવવામાં આવ્યા છે જેમાં ૧૧ એન્ટ્રી ગેઈટ, વીવીઆઈપી માટે ૧૧ બ્લોક તેમજ ૩૯ સામાન્ય બ્લોક જાહેર જનતા માટે બનાવવામાં આવ્યા છે.
દરમિયાન વડાપ્રધાનના કાર્યક્રમને લઈ જિલ્લા કલેકટર દ્વારા ૫ ડેપ્યુટી કલેકટર, ૪ મામલતદારને ખાસ ફરજ સોંપી ૨૦૦ જેટલા મહેસુલી કર્મચારીઓ અને પંચાયતી કર્મચારીઓને પણ વિશેષ ફરજ સોંપવામાં આવી છે અને આજે તૈયારીના નિરીક્ષણ માટે સીટી પ્રાંત દ્વારા રેષકોર્ષ ગ્રાઉન્ડની મુલાકાત લેવામાં આવી હતી. રેસકોર્ષ મેદાન ખાતે યોજનાર સમગ્ર કાર્યક્રમની જવાબદારી નિવાસી અધિક કેલેક્ટરને સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
મોદીના આગમન સુધી ગીતા રબારી રમઝટ બોલાવશે
રાજકોટ ખાતે આગામી તા.૨૫ના રોજ એઈમ્સના લોકાર્પણ બાદ રેષકોર્ષ મેદાન ખાતે યોજાનાર સભામાં વડાપ્રધાનના આગમન સમય સુધી લોકગાયિકા ગીતાબેન રબારીનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે, આ સાથે જ એઇમ્સ ખાતે વડાપ્રધાનના આગમન સમયે તેમના સ્વાગત માટે ૫૪ કલાકારોના કાફલાને જવાબદારી સોંપવામાં આવી છે જેમાં તાંડવ નૃત્ય એકેડમીના ૧૮ કલાકારો માંડવડી સાથે નૃત્ય કરશે જયારે શક્તિ વૃન્દના ૧૮ કલાકારો છત્રી, રૂમાલ અને દાંડિયા રાસની રમઝટ બોલાવશે તેમજ લાસ્ય નર્તન એકેડમીના ૧૮ કલાકારો દ્વારા ટિપ્પણી ઘડા સાથે રાસ રજૂ
કરવામાં આવશે.