રાજ્યમાં તા.29મીએ રજાના દિવસે પણ ચાલુ રહેશે સબ-રજીસ્ટ્રાર કચેરીઓ
નાણાંકીય વર્ષના અંતે દસ્તાવેજ નોંધણી માટે ધસારો રહેતો હોય રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
વોઇસ ઓફ ડે, રાજકોટ
રાજ્ય સરકાર દ્વારા દસ્તાવેજ નોંધણીને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં રાજ્યમાં નાણાંકીય વર્ષ 2023-24ના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધુ રહેતી હોય જાહેર રજાના દિવસે પણ રાજ્યની તમામ સબ-રજીસ્ટ્રાર કચેરીઓ ચાલુ રાખવાનો સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે.
નાણાંકીય વર્ષના અંતેમાં સરકારી કામોને લઈને લોકોનો ધસારો રહેતો હોય છે. દસ્તાવેજ નોંધણી માટે દોડધામ રહેતી હોય છે અને રાજ્યની તમામ સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં કામગીરી પણ વધારે રહેતી હોય છે. આવા સમયે રજાના દિવસોમાં આ કામગીરી અટકી જતાં લોકોને મુશ્કેલી ભોગવવી પડતી હોય છે. જો કે નાણાંકીય વર્ષના અંતમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે ચાલુ મહિનાના અંતમાં તા.29મીએ શુક્રવારે ગુડ ફ્રાઈડેની જાહેર રજાના દિવસે રાજ્યની તમામ 294 સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દિવસે સામાન્ય દિવસની જેમ જ ઓનલાઈન એપોઇમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.
તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં ઓનલાઈન એપોઇમેન્ટ મેળવેલ હોય તે જ દસ્તાવેજની નોંધણીની કાર્યવાહી નિયમોનુસાર કરવામાં આવશે. રાજ્યમાં તમામ અધિક નોંધણી સર નિરીક્ષક, મદદનીશ નોંધણી નિરીક્ષક દ્વારા જરૂરી મહેકમ સાથે કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવાની સૂચના આપવામાં આવી છે.
