આનંદો: રાજ્ય સરકાર ટેકાના ભાવે કરશે તુવેર, ચણા, રાયડાની ખરીદી
રાજ્યના ૩.૨૦ લાખ ખેડૂતને મળશે લાભ: રાજ્યમાં તા.૧૮મી માર્ચથી ખરીદી શરૂ થશે, ૯૦ દિવસ સુધી ચાલશે: કૃષિમંત્રી
રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ૧૮ માર્ચથી ટેકાના ભાવે તુવેર, ચણા, રાયડાની ખરીદી કરવામાં આવશે. તા.૧૮ માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે અને તે ૯૦ દિવસ સુધી ચાલશે. જેનો લાભ રાજ્યના ૩.૨૦ લાખો ખેડૂતોને થશે.
રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ.૧૭૩૪ કરોડની કિંમતની ૨.૪૫ લાખ મે.ટન તુવેર, રૂ.૧૭૬૫ કરોડના ૩.૨૪ લાખ મે.ટન ચણા અને રૂ.૮૫૩ કરોડના ૧.૫૧ લાખ મે.ટન રાયડાની રાજ્ય સરકાર ખરીદી કરશે. જ્યારે રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેરના પાકની ખરીદી માટે ૧૪૦ કેન્દ્ર, ચણાની ખરીદી માટે ૧૮૭ અને રાયડાની ખરીદી માટે ૧૧૦ ખરીદ કેન્દ્ર મળી કુલ ૪૩૭ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે.
ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે. આ ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ભાવે ખરીદી કરવામાં આવશે. મહત્વનું છે કે, ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂ.૧૪૦૦ પ્રતિ મણ, ચણા માટે રૂ.૧૦૮૮ પ્રતિ મણ જ્યારે રાયડા માટે રૂ.૧૧૩૦ પ્રતિ મણ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
કૃષિમંત્રી રાઘવજી પટેલે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે અનેકવીધ પ્રયાસો થઈ રહ્યા છે. ઉત્પાદિત પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ટેકાના ભાવે ખરીદીનું સંપૂર્ણ આયોજન કરી લેવામાં આવ્યું છે.