રેસકોર્સ રિંગરોડ ઉપર થયો તમાશો: IT-CGSTના કર્મચારીઓએ ૫૦૦ રૂપિયા બચાવવા ઘરેથી હેલ્મેટ મંગાવ્યા
રાજ્ય સરકારની કચેરીઓની બહાર ચેકિંગ કર્યા પછી ટ્રાફિક પોલીસે કેન્દ્ર સરકારની કચેરી બહાર શરૂ કર્યું ચેકિંગ
પોલીસના સખ્ત વલણથી કર્મીઓમાં ભારે નારાજગી: કેટલાક અધિકારીઓ પણ ઝપટે ચડી ગયા
જીએસટીના અધિકારીએ પોલીસને કહ્યું, આ હેલ્મેટની ડ્રાઈવ છે, સીટબેલ્ટની નહીં ! પોલીસે કહ્યું, બન્નેનું ચેકિંગ કરવાનું છે
હાઈકોર્ટના કડક વલણ બાદ સરકાર દ્વારા કર્મચારીઓ તેમજ સામાન્યજનો પર ફરજિયાત હેલ્મેટ અને સીટબેલ્ટના નિયમનું પાલન કરાવવાનો આદેશ છૂટતાં જ ત્રણ દિવસથી આખા ગુજરાતમાં હેલ્મેટ-સીટ બેલ્ટ ચેકિંગની ડ્રાઈવ ચાલી રહી છે. દરમિયાન રાજકોટના રેસકોર્સ રિંગરોડ ઉપર બુધવારે સાંજે રીતસરનો તમાશો જોવા મળ્યો હતો. દરેક સરકારી કચેરી બહાર પોલીસે ડ્રાઈવ ચલાવ્યા બાદ આવકવેરા વિભાગ અને જીએસટી વિભાગ બહાર ચેકિંગ ડ્રાઈવ ગોઠવતાં કર્મચારીઓમાં રીતસરની ભાગદોડ મચી જવા પામી હતી. બન્ને વિભાગના કર્મચારીઓ દ્વારા હેલ્મેટ નહીં પહેરવાના ૫૦૦ રૂપિયાના દંડને બચાવવા માટે ફટાફટ ઘરેથી હેલ્મેટ મંગાવવા પડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી બાજુ હેલ્મેટ કે સીટબેલ્ટ પહેર્યા વગર કચેરીમાં પ્રવેશતાં અને કચેરીમાંથી બહાર નીકળતાં કર્મચારીઓને અટકાવીને દંડ વસૂલાત કરવાનું શરૂ કરાતાં જ કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. પોલીસ દ્વારા કોઈ પ્રકારની બાંધછોડ કર્યા વગર માત્રને માત્ર દંડ જ વસૂલવા ઉપર ભાર મુકવામાં આવી રહ્યાનો રોષ પણ બન્ને વિભાગના કર્મચારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. કર્મચારીઓએ રોષ સાથે કહ્યું હતું કે પોલીસને બરાબરનો ખ્યાલ હતો કે સાંજે ૬ વાગ્યે બન્ને વિભાગના કર્મચારીઓનો છૂટવાનો સમય હોય છે એટલા માટે તેના પહેલાં જ ગેઈટ બહાર ગોઠવાઈ ગયા હતા અને જેવા કર્મચારીઓ બહાર નીકળ્યા કે તેમને અટકાવીને દંડની વસૂલાત શરૂ કરી દેવામાં આવી હતી. આ વાત બન્ને ડિપાર્ટમેન્ટના કર્મચારીઓમાં પ્રસરી જતાં સ્ટાફ પોતાની ચેમ્બરમાં જ બેસી રહ્યો હતો. થોડી વારમાં ચેકિંગ બંધ થઈ જશે તેવા ભ્રમમાં રહ્યા બાદ ટ્રાફિક પોલીસ પણ મોડીરાત સુધી બન્ને કચેરીની બહાર જ તખ્તો ગોઠવીને બેસી રહી હતી.
આ બધાની વચ્ચે જીએસટી વિભાગના એક અધિકારીની કાર બહાર નીકળી હતી અને પોલીસે તે કારને અટકાવીને તપાસ કરતાં સીટબેલ્ટ બાબતે માથાકૂટ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અધિકારી દ્વારા પણ કહી દેવામાં આવ્યું હતું કે આ ચેકિંગ હેલ્મેટનું જ છે, સીટબેલ્ટનું નહીં એટલા માટે તેમને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે. જો કે પોલીસ ટસની મસ ન થતાં મામલો થોડીવાર માટે ગરમાઈ ગયો હતો અને કર્મચારીઓ પણ બહાર એકત્ર થઈ ગયા હતા.
