અમે પણ પગભર થયાં: ‘સેતુ’ના સ્પેશિયલ બાળકો 600 માંથી 6000 કમાતા થયા
મત હાર તું હોંસલા,ચલા જા…ના રૂક તું ના રૂક…રખ તું હોંસલા બુલંદ
સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોએ પોતાની સર્જન શક્તિથી આખા વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિ સાથે સ્વાવલંબી બન્યા: વટાણા,જીંજરા,મગફળી ફોલવી, રાખડી બનાવવી, ગણપતિજીની પ્રતિમા, ગરબા,દિવાના ડેકોરેશન કરે છે

અમે કંઈ બિચારા નથી…. અમે લાચાર પણ નથી… ભગવાને અમને વિશેષ વ્યક્તિત્વ આપ્યું છે… અમે પણ હવે પગભર છીએ.. એક સમયે ₹600 કમાતા હતા અમને 6000 રૂપિયા મળવા લાગ્યા ધીમે ધીમે અમે પણ સક્ષમ બનવા જઈ રહ્યા છે… આ મનોભાવના છે રાજકોટની સેતુ સંસ્થાના મનોદિવ્યાંગ બાળકોની…જેમને આખું વરસ પોતાની આવડત થકી નાનું મોટું કામ કરીને આત્મનિર્ભર બન્યા છે. જે સમાજ તેમને બીચારાની દ્રષ્ટિએ જોતું હતું તેને સેતુના જાગૃતીબેન અને નેહાબેન ઠાકર કે જે બાળકોના લાડલા દીદીઓ છે તેમણે આ બાળકો માટે સમાજની નજરને બદલાવી નાખી છે.

આ બંને દીદીઓએ મનોદિવ્યાંગ બાળકો માટે વર્ષો પહેલા સેતુ નામની સંસ્થા શરૂ કરી હતી જેમાં શરૂઆતમાં તો બાળકોને થોડીવાર માટે લાવવામાં આવતા હતા ત્યારબાદ નેહાબેન અને જાગૃતિબેન તેમજ આશાબેન, ભાવનાબેન અને પૂજાબેન સહિતની સેતુની ટીમ દ્વારા આ બાળકોમાં રહેલી પ્રતિભાને જોઈને અલગ અલગ પ્રવૃત્તિ શરૂ કરવાનું વિચાર્યું અને ત્યારબાદ ધીમે ધીમે આ બાળકોને થોડું થોડું કામ શીખવ્યું જેમાં આખા વર્ષ દરમિયાન વટાણા ફોલવા, લીલા ઝીંઝરા ફોલવા મગફળી ફોલવી આ ઉપરાંત વરસ દરમિયાન રક્ષાબંધન વખતે બાળકો રાખડી બનાવે છે તો નવરાત્રીમાં ગરબા અને દિવાળી માટે કોડિયાના ડેકોરેશન તેમજ ગણપતિ દાદા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે છે ત્યારબાદ તેનો એક્ઝિબિશન દ્વારા વેચાણ કરવામાં આવે છે અને આ વેચાણમાંથી આખા વર્ષ દરમિયાન જે નફો મળે તે બધા જ બાળકોના સમાન હિસ્સે વેચવામાં આવે છે.
જાગૃતીબેન અને નેહા બેને જણાવ્યું હતું કે આખા વર્ષ દરમિયાન બાળકોને આ પ્રવૃત્તિ સાથે એક એવી ઇવેન્ટ પણ યોજવામાં આવે છે કે જેમાં બાળકો મનોરંજન માણી શકે. દિવાળી પહેલા સેતુ સંસ્થા દ્વારા ન્યુ એરા સ્કૂલ ખાતે બાળકોને મનોરંજન કરાવવા એક ઇવેન્ટ યોજાય છે જેમાં આ બધા જ બાળકોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરી આખા વરસનો પ્રોફિટ આપવામાં આવે છે. ત્યારબાદ બાળકો દ્વારા ફટાકડા ફોડી દિવાળીની ખુશાલી સાથે ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં પણ આ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં જાણીતા દાતા અને રોટલી ક્લબના વિક્રમભાઈ સંઘાણી, અશોકભાઈ ભટ્ટ, જૈન બાલાશ્રમના ટ્રસ્ટી સુભાષભાઈ, પ્રદીપભાઈ તેમજ જાણીતા સામાજિક કાર્યકર્તા દિવ્યાબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા. નેહાબેન અને જાગૃતીબેન ગર્વ સાથે જણાવ્યું હતું કે એક સમયે ₹600 નો વરસ દરમિયાન પ્રોફિટ બાળક દીઠ મળતો હતો જે હવે 6000 રૂપિયા એ પહોંચી ગયો છે. આ બાળકો ભવિષ્યમાં પણ તેમની પ્રતિભા થકી ઝળહળતા રહેશે તેવો અમને વિશ્વાસ છે.
