રાજકોટનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું
છેલ્લી ઘડીએ ખરીદી માટે ધમધમાટ જોવા મળ્યો
અનેક જગ્યાએ દાન માટે સ્ટોલ લાગ્યા: ઘાયલ પક્ષીઓની સારવાર માટે તબીબો સાથેના કેન્દ્ર ઊભા કરાયા
રાજકોટમાં મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણ પર્વને લઈને છેલ્લે દિવસે શહેરની જૂદી-જુદી બજારોમાં ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો હતો. લોકો પતંગ, દોરા, શેરડી, ઝીંઝરાની ખરીદી કરતાં જોવા મળ્યા હતા. તો બીજી બાજુ મકર સંક્રાંતિના દિવસે દાન-પુણ્યનું પણ મહત્વ હોય ગાયોની સેવા કરતી સંસ્થાઓ અને ગૌશાળાના અનેક જગ્યાએ સ્ટોલ લાગ્યા છે.
આજે ઉતરાયણ પર્વને ઉજવવા પતંગ રસિયાઓએ ભરપૂર તૈયારીઓ કરી લીધી છે. શહેરનું આકાશ આજે રંગબેરંગી પતંગોથી છવાઈ જશે. તેવામાં ઉતરાયણ પર્વને ઉજવવા શહેરીજનોએ છેલ્લી ઘડીએ ધૂમ ખરીદી કરી હતી. લોકો પરિવાર અને મિત્રો સાથે શહેરની સદર બજાર ઉપરાંત જુદી-જુદી બજારોમાંથી ખરીદી કરતાં નજરે પડતાં હતા. સદર બજારમાં જાણે મેળો જામ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. મકરસંક્રાંતિ પર્વ પર રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પતંગ, દોરા, ટોપી, ચશ્મા, બોર, જામફળ, ચીકી વિગેરેની બજારોમાં છેલ્લી ઘડીની ધૂમ ખરીદી લોકો કરી હતી. મકર સંક્રાંતિ પર્વ પર હિન્દુ સંસ્કૃતિમાં દાન-પુણ્યનું પણ ખૂબ મહત્વ છે. ગાયને ઘાસ ખવડાવવામા આવે છે. તો વળી તલની ચીકીનું દાન કરવામાં આવતું હોય છે.
કેટલીક ગૌશાળામાં વિકલાંગ ગાયોની સેવા કરવામાં આવતી હોય છે ત્યારે લોકો આવી ગૌશાળાને પણ દાન કરતાં હોય છે ત્યારે રાજકોટમાં પણ અનેક જગ્યાએ ગૌશાળા અને સંસ્થાઓના સ્ટોલ લાગ્યા હતા. તો બીજી તરફ પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થવાના બનાવો પણ બનતા હોય છે. આવા સમયે ઘાયલ પક્ષીઓને પતંગની દોરીથી બચાવવા કરુંણા ફાઉન્ડેશન દ્વારા તબીબો સાથે સારવાર કેન્દ્ર પણ ઊભા કરવામાં આવ્યા છે.