અકસ્માતનું સ્થળ દારૂના દરોડાની FIRમાં બતાવી ભગો વાળ્યો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ તેમાં પોલીસની ભૂલ
યુનિવર્સિટી પોલીસ સ્ટાફે FIRનું બેઠે બેઠું ફોર્મેટ કોપી પેસ્ટ કરી નાખ્યું : ડીસીપી ઝોન-2 દ્વારા એસીપીને તપાસ કરવા આદેશ
શહેર PCB દ્વારા યુનિવર્સિટી પોલીસ અને થોરાળા પોલીસ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના કર્મચારી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટી વિસ્તારના બદલે યુનિવર્સિટી કેમ્પસમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ હોવાનો ઉલ્લેખ ભગો વાળવામાં આવ્યો હતો. જેને લઇ વિવાદ ઉભો થતા ડીસીપી ઝોન-2 દ્વારા જવાબદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.અને તપાસમાં બહાર આવ્યું હતું કે,જે યુનિવર્સિટી કેમ્પસનું સ્થળ બતાવવામાં આવ્યું હતું.ત્યાં અકસ્માત થયો હતો.અને તેમાં FIR નોંધાઈ હતી,જે ફોર્મેટ કોપી પેસ્ટ કરી નાખતા વિવાદ થયો હતો.
આ મામલે વિગત આપતા રાજકોટ શહેર ઝોન-2 ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, શહેર PCB દ્વારા ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રૈયાધાર મફતિયાપરા ખાતે ઓરડીમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ફરિયાદમાં સ્થળ અલગ દર્શાવી દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો. યુનિવર્સિટી વિસ્તારના બદલે યુનિવર્સિટી કેમ્પસમાં શબ્દ પ્રયોગ થયો છે. જો કે, યુનિવર્સિટી કેમ્પસમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડાઈ નથી. આ ભૂલના કારણે વિવાદ થતાં તેની તપાસ પશ્ચિમ વિભાગના એસીપી રાધિકા ભારાઈને સોંપવામાં આવી છે અને તપાસના અંતે જેમની જવાબદારી જણાશે તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. ઓનલાઇન ફરિયાદ અપલોડ થયા પછી તેમાં સુધારો કરી શકાતો નથી. હવે આ ભૂલ થઈ છે એ બાબતે કોર્ટને પણ ધ્યાન દોરવામાં આવશે અને જે જગ્યાએ દરોડો થયો છે તે સાચું સ્થળ ફરી દર્શાવવામાં આવશે.