વરસાદ પીછો નથી છોડતો ! વધુ બે ઈંચ પાણી પડી ગયું
રાજકોટમાં સીઝનનું ૫૫ ઈંચ પાણી પડી ગયું: બે કલાક અનરાધાર વરસતાં અનેક રસ્તા પાણી પાણી
જ્યાં સુધી બફારો રહેશે ત્યાં સુધી વરસાદની શક્યતા રહેશે જ-હવામાન નિષ્ણાતો
રાજકોટે ઑક્ટોબર સુધી વરસાદ જોયો હોય તેવું ઘણા વર્ષો બાદ બન્યું છે. હવે તો દરેક શહેરીજન પણ કહી રહ્યા છે કે ખબર નહીં એવું તો શું થયું છે કે વરસાદ પીછો જ નથી છોડતો ! સામાન્ય રીતે ઑક્ટોબરમાં ઠંડીના પગરવ થઈ ચૂક્યા હોય છે પરંતુ આ વર્ષે એવું બન્યું નથી અને હજુ પણ વરસાદ જ પડી રહ્યો છે. દરમિયાન રવિવારે ભારે ધડાકા-ભડાકા સાથે બે કલાકની અંદર રાજકોટમાં બે ઈંચ પાણી પડી ગયું હોવાનું ફાયરબ્રિગેડના ચોપડે નોંધાયું છે.
સવારથી જ ધુપછાંવભર્યા માહોલ બાદ બપોરે ૨:૩૦ વાગ્યા આસપાસ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને ૪:૩૦ વાગ્યા સુધી યથાવત રહેતા બે કલાકની અંદર સેન્ટ્રલ ઝોનમાં ૩૪ મીમી, વેસ્ટ ઝોનમાં સૌથી વધુ ૫૭ મીમી (બે ઈંચ) અને ઈસ્ટ ઝોનમાં સૌથી ઓછો ૧૪ મીમી વરસાદ નોંધાયો હતો. આ રીતે રાજકોટમાં સીઝનનો કુલ વરસાદ ૫૫ ઈંચ નોંધાઈ ગયો છે.
દરમિયાન હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી બફારો રહેશે ત્યાં સુધી વરસાદ પડ્યે જ રાખવાનો છે. બીજી બાજુ દિવાળી ઢુકડી આવી ગઈ હોવાથી બરાબર ત્યારે જ વરસાદ વિદાય લેવાનું નામ લઈ રહ્યો ન હોય લોકોની સાથે જ વેપારીઓ તેમજ ખેડૂતોના ચહેરા ઉપર પણ ચિંતાના વાદળો છવાઈ ગયેલા જોવા મળી રહ્યા છે.
રવિવારે વરસાદને કારણે શ્રોફ રોડ ઉપર એક વૃક્ષ ધરાશાયી થયું હોવાનું પણ ચોપડે નોંધાયું છે. વરસાદને પગલે રાબેતા મુજબ જ ઠેર-ઠેર પાણી પણ ભરાઈ જવા પામ્યા હતા.